ફેબ્રુઆરી-2023 સુધીમાં રાજ્યના 1.45 કરોડથી વધુ જરૂરિયાતમંદોને મળી 108ની સેવા
રાજ્યનાં નાગરિકોની આરોગ્ય કાળજી માટે તત્પર રાજ્ય સરકારે ‘108એમ્બ્યુલન્સ’ની સેવાને આજે વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ જ્યારે માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોચાડવામાં આવતા હતા, તેની સામે આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનતા લોકો માટે ‘108એમ્બ્યુલન્સ સેવા’ખરેખર આશીર્વાદ સમાન બની છે.
108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ વર્ષ 2007થી પ્રારંભ
રાજ્યમાં અકસ્માત કે આપત્તિનાં સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ વર્ષ 2007થી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજન હેઠળ થયો હતો. જી.વી.કે. ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ અને ગુજરાત સરકારની લોકભાગીદારીથી શરુ થયેલી આ સેવા આજે વિશ્વાસ અને ચોક્સાઇનો પર્યાય બની છે, જે તમામ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે કટિબદ્ધ છે. 108ના કાર્યથી લોકમાનસમાં સંપાદિત થયેલો વિશ્વાસ પણ અભૂતપૂર્વ છે.
“ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર” કાર્યરત
108 એમ્બ્યુલન્સ વાનમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારનાં લોકોને મળે છે. 108 સેવાનાં અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા હાઈટેક ટેકનોલોજીથી સુસજ્જ એક વિશાળ “ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર” કાર્યરત કરવામાં આવ્યું છે, જેના દ્વારા સતત મોનીટરીંગ કરી નાગરીકોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
1.45 કરોડથી પણ વધુ લોકોને સેવા મળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટીવંત નેતૃત્વ હેઠળ 108 દ્વારા ફેબ્રુઆરી-2023 સુધીમાં રાજ્યભરમાંથી લગભગ 1.45 કરોડથી પણ વધુ ઇમરજન્સી હેન્ડલ કરીને જરૂરિયાતમંદને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડી છે. આ ઉપરાંત ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રેગ્નન્સી સંબંધિત કેસમાં 49.34 લાખથી પણ વધુ ઈમર્જન્સી, રોડ અકસ્માત સંબંધિત 17.69 લાખથી વધુ ઈમર્જન્સી તેમજ 13.44 લાખથી વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમણે જીવના જોખમમાંથી ઉગારવામાં આવ્યા છે.
81,166 મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં પ્રસૂતિ
વધુમાં 108 એમ્બ્યુલન્સમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ ટેક્નીશીયન દ્વારા 81,166 મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં જ તેમજ 46,618 મહિલાઓની સ્થળ પર જ સલામત પ્રસૂતિ કરાવીને ઉત્તમ આરોગ્ય સેવાનો દાખલો પૂરો પાડ્યો છે.
રાજ્યમાં 800થી વધુ 108 એમ્બ્યુલન્સ વાન કાર્યરત
માત્ર 53 એમ્બ્યુલન્સથી શરૂ થયેલી108 ની આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ 802 એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરિયાઈ વિસ્તારોમાં બિમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવીને 108 બોટ એમ્બ્યુલન્સ સેવા શરુ કરી છે. જ્યારે કટોકટીની પળોમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં દેશની પ્રથમ એર એમ્બ્યુલન્સ સેવાનો પણ ગતવર્ષે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં પણ સૌથી પહેલાં પહોંચીને 108ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, માવઠાને કારણે કેસર કેરી આટલાં દિવસ મોડી આવશે