અમદાવાદગુજરાતચૂંટણી 2024

ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસના પક્ષપલટુ ધારાસભ્યો જીત્યા

Text To Speech

અમદાવાદ, 4 જૂન 2024દેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. જેના પરિણામ પણ આજે જાહેર કરવામાં આવ્યાં હતાં. ગુજરાતમાં પણ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતાં વિધાનસભાની પાંચ બેઠકો ખાલી પડી હતી. ભાજપે આ પાંચેય બેઠકો પર કોંગ્રેસના પક્ષપલટુઓને મેદાનમાં ઉતાર્યા હતાં. જેમાં પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી.

સી.જે. ચાવડા 56228 મતે ચૂંટણી જીતી ગયાં
વિધાનસભાની પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા 133163 મત મેળવીને 116808 મતોની લીડથી ચૂંટણી જીત્યાં છે. તેમણે કોંગ્રેસના રાજુ ઓડેદરાને હરાવ્યાં છે. મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠકની વાત કરીએ તો કોંગ્રેસના સી.જે ચાવડાને ભાજપે મેદાનમાં ઉતાર્યા હતાં તેમની સામે કોંગ્રેસે દિનેશ પટેલને ચૂંટણી લડાવી હતી. જેમાં સી.જે. ચાવડાને 100641 મત અને દિનેશ પટેલને 44413 મત મળ્યાં છે.સી.જે. ચાવડા 56228 મતે ચૂંટણી જીતી ગયાં છે.

અરવિંદ લાડાણીને 82017 અને હરિભાઈને 51001 મત મળ્યા
માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતાં. ભાજપે તેમણે પેટાચૂંટણીની ટીકિટ આપી હતી. તેમની સામે કોંગ્રેસે હરિભાઈ કણસાગરાને મેદાનમાં ઉતાર્યા હતાં. જેમા અરવિંદ લાડાણીને 82017 અને હરિભાઈને 51001 મત મળ્યાં હતાં. જેથી અરવિંદ લાડાણી 31016 મતે ચૂંટણી જીતી ગયાં હતાં. એજ રીતે ખંભાત બેઠક પર ભાજપે કોંગ્રેસના ચિરાગ પટેલને ટીકિટ આપી હતી. તેમની સામે કોંગ્રેસે મહેન્દ્રસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા હતાં. ચિરાગ પટેલને 88457 જ્યારે મહેન્દ્રસિંહને 50129 મત મળ્યા હતાં. જેમાં ચિરાગ પટેલ 38328 મતની લીડથી ચૂંટણી જીતી ગયાં હતાં. વાઘોડિયા બેઠક પર અપક્ષ તરીકે ચૂંટણી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતાં. તેઓ આ બેઠક પર ભાજપની ટીકિટ પર ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના કનુભાઈ ગોહિલ સામે 82108 મતની લીડથી જીતી ગયાં હતાં.

આ પણ વાંચોઃ અમિત શાહ 7.44 અને પાટીલ 7.44 લાખની લીડથી જીત્યા, જાણો ગુજરાતમાં વધુ લીડ કોને મળી?

Back to top button