અમદાવાદ: 2027 સુધીમાં ગોધાવી ખાતે 500 એકરમાં ભવ્ય સ્પોર્ટ્સ સિટી નિર્માણ પામશે


અમદાવાદ: સાણંદ પાસે આવેલા ગોધાવી ગામમાં આગામી ચાર વર્ષમાં 500 એકરના વિસ્તારમાં વિશાળ સ્પોર્ટ્સ સિટીનું નિર્માણ કરાશે. જેની પાછળ રાજ્ય સરકાર અંદાજિત 10 હજાર કરોડ રૂપિયા ખર્ચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગોધાવી ખાતે સ્પોર્ટ્સ સિટી બનાવવા માટે જમીન સંપાદનનું કામ શરૂ કરવા જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2027ના વર્ષ સુધીમાં અહીં સ્પોર્ટ્સ સિટીનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવશે.
આ ઉપરાંત, જમીનનું સંપાદન કાર્ય પૂર્ણ થયા બાદ સ્પોર્ટસની સુવિધા અને સ્ટેડિયમના નિર્માણની કામગીરી ટેન્ડર મારફતે આંતરરાષ્ટ્રીય સ્તરની એજન્સીને સોંપવામાં આવશે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અમદાવાદ શહેર ફરતે તૈયાર થનારા 90 મીટરના રીંગ રોડને અડીને તૈયાર કરવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં દોડ, જમ્પિંગ, થ્રોઇંગ, સ્વિમિંગ, જિમ્નેસ્ટિક્સ, કુસ્તી, બોક્સિંગ, શૂટિંગ, બાસ્કેટબોલ, ટેનિસ, ફૂટબોલ, હૉકી, ક્રિકેટ, બાસ્કેટબોલ સહિતની રમતો માટેના સ્ટેડિયમ અને કોચિંગ ફેસિલિટી તૈયાર કરાશે. 500 થી 1000 રમતવીરો રોકાઇ શકે તેવી સ્પોર્ટ્સ હોસ્ટેલ પણ તૈયાર કરાશે.
જોકે, સૌથી પહેલા મોટેરામાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં આ સુવિધા ઊભી કરવા માટે વિચારાયું હતું. ત્યારબાદ ગોધાવી ગામની આસપાસના વિસ્તારની પસંદગી કરાઈ હોવાનું રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું છે. મહત્ત્વનું છે કે, આગામી યુથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક ગેમ્સ-2036ની યજમાની કરવા માટે થોડા દિવસો પહેલા જ બીડ કરવાનો સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો છે ત્યારે રમતોની આ મહા ઇવેન્ટ યોજવા માટે તૈયારી આરંભી દેવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં ઓલિમ્પિક ગેમ્સ માટે 200 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સેન્ટર બનશે