2 વાગ્યા સુધીમાં ન્યાય કે આત્મહત્યા?, ટાવર પર ચઢીને ખેડૂતે આપી ચીમકી
નર્મદા, 14 સપ્ટેમ્બર, નર્મદા જિલ્લાના ગરુડેશ્વર જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની છે. કેવડિયા ગામનો એક ખેડૂત ન્યાયની માંગણી સાથે મોબાઇલ ટાવર પર ચઢી જતાં અફરાતરફરીનો માહોલ સર્જાયો છે. ત્યારે આસપાસથી પસાર થતા સ્થાનિકો જોઈ જતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પંહોચી છે. ગણપત તડવી નામનો ખેડૂત ચૈતર વસાવા પાસે ન્યાયની માંગ કરી રહ્યો છે. અને ધમકી આપતા કહ્યું છે કે, તેને ન્યાય નહીં મળે તો તે આત્મહત્યા કરી લેશે.
આજકાલ લોકોની માંગ સતુષ્ટ ન થતાં લોકો અજીબો ગરીબ હરકતો કરતાં હોય છે. તેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ગામનો રહીશ અને અસરગ્રસ્ત ખેડૂત ગણપતભાઇ શંકરભાઈ તડવી BSNLના ટાવર પર વહેલી સવારથી ઉપરથી કૂદીને આત્મહત્યા કરવાના ઇરાદે ચઢી ગયો છે. ખેડૂતને ટાવર પર ચઢેલો જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં અને ફાયરબ્રિગેડ તેમજ પોલીસને સંપર્ક કર્યો હતો. ફાયર અને પોલીસની ટીમ હાજર થઈને રહીશને નીચે ઉતારવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ, યુવક ન્યાય ન મળે ત્યાં સુધી નીચે ન ઉતરવાની વાત પર અડીખમ છે.
ખેડૂતની આ છે માંગણી
ટાવર પર ચઢેલા ગણપતભાઈની માંગણી છે કે, તેમની વડીલોપાર્જિત જમીન જે લઈ લીધી છે તેનું યોગ્ય વળતર આપો, નહીંતર અમને અમારી જમીન પાછી આપી દો. કેવડિયા સત્તામંડળ દ્વારા વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા કરી તેમાં પણ સ્થાનિકોનો સમાવેશ કરાયો નથી અને બહારના લોકોની ભરતી કરવામાં આવી રહી છે. ખેડૂતે કહ્યું છે કે, જો 2 વાગ્યા સુધીમાં મારી માંગણી નહીં સંતોષાય તો તે ટાવર પર જ ગળેફાંસો ખાઈ લેશે. ચૈતર વસાવાને અહીં બોલાવો અને મને ન્યાય અપાવો, જો ચૈતર બે વાગ્યા સુધીમાં મને યોગ્ય જવાબ સાથે ન્યાય નહીં આપે તો હું ટાવર પર જ આત્મહત્યા કરી લઇશ.
પોલીસ અને ફાયર વિભાગની ટીમ ગણપત ભાઈને નીચે ઉતારવા મથામણ કરી રહ્યાં છે, પરંતુ તે ચૈતર વસાવાને બોલાવવાની વાત પર મક્કમ છે. ખેડૂત ગણપત ભાઇ ટાવર પરથી ટેલિફોન કરીને ન્યાય માંગણી કરી રહ્યા છે. જેના કારણે હવે ઉચ્ચ અધિકારીઓમાં પણ દોડધામ મચી છે. ખેડૂત ટાવર પરથી એક જ વાતનું રટણ કરી રહ્યો છે કે, જ્યાં સુધી ચૈતર વસાવા મને ન્યાય નહીં અપાવે ત્યાં સુધી હું નીચે નહીં ઉતરુ. જો ન્યાય ન મળ્યો તો હું ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લઈશ. યુવકના જણાવ્યા અનુસાર, અધિકારીઓ ફક્ત ઉડાઉ જવાબો આપે છે.
આ પણ વાંચો…અમદાવાદ: સોસાયટીના ગેટ પાસે રમી રહેલા 4 વર્ષના બાળકને કારચાલકે કચડયો