- બિલ્ડરોએ રાજ્ય સરકાર સાથે કુલડીમાં ગોળ ભાંગી લીધો
- સ્ટેમ્પ ડયૂટી-રજિસ્ટ્રેશન ફીમાં કોઈ રાહત અપાઈ નહીં
- થલતેજ, આંબલી, બોડકદેવમાં વિસંગતતા યથાવત્ છે
રાજ્યમાં નવી જંત્રીમાં નાના અને મધ્યમ વર્ગને સીધેસીધો કોઈ લાભ અપાયો નહીં. તેમજ સ્ટેમ્પ ડયૂટી-રજિસ્ટ્રેશન ફીમાં કોઈ રાહત અપાઈ નહીં. તથા કમસે કમ બીજા રાજ્યોની જેમ સ્લેબવાળી સિસ્ટમ તો રાખી જ શકાય છે. તેથી થલતેજ, આંબલી, બોડકદેવમાં વિસંગતતા યથાવત્ છે. ત્યારે સરકારનું ભેદી મૌન જોવા મળ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઓર્ગેનિકના ફૂડના નામે લોકો સાથે છેતરપિંડી
સ્ટેમ્પ ડયૂટીનો દર ઓછો લગાવી રાહત આપવાની માગ થઈ
રાજ્યમાં 2011ના જંત્રીના દર બમણા કરવાની જાહેરાત અઢી મહિના પહેલાં થઈ ત્યારથી નાના, ગરીબ અને મધ્યમ વર્ગને સીધેસીધો ફાયદો મળે તે માટે કમસે કમ એફોર્ડેબલ સ્કીમમાં જોડાતાં લોકોને સ્ટેમ્પ ડયૂટીનો દર ઓછો લગાવી રાહત આપવાની માગ થઈ હતી, જ્યારે પહેલીવાર મકાન ખરીદનાર પાસેથી તો માત્ર 1 ટકો જ સ્ટેમ્પ ડયૂટી વસૂલવાની માગ હતી. એફોર્ડેબલ સ્કીમમાં મકાન લેનાર વર્ગ મહ્દંશે તેમના જીવનમાં એક જ વાર ઘરનું ઘર ખરીદતો હોઈ આ લાભો તેમના માટે જાહેર કરવાની માગ હતી. પરંતુ નાના માણસોને નામે પેઇડ એફએસઆઇમાં રેટ ઘટાડવાનો ફાયદો પોતાના કોટના ગજવામાં સેરવી બિલ્ડરો હવે ચૂપકીદી સેવી રહ્યાં છે અને નાના-મધ્યમ વર્ગને સ્ટેમ્પ ડયૂટીમાં સીધેસીધો ફાયદો મળે તે માટે તેઓ હરફ પણ ઉચ્ચારતાં નથી.
આ પણ વાંચો: અમદાવાદ: ITના આસીસ્ટન્ટ કમિશનરની લાંચ કેસમાં CBIએ ધરપકડ કરી
બિલ્ડરોએ રાજ્ય સરકાર સાથે કુલડીમાં ગોળ ભાંગી લીધો
રાજ્યમાં બિલ્ડરોએ નાના અને મધ્યમ વર્ગના નામે પેઈડ એફએસઆઇમાં જંત્રીના રેટ પોતાની તરફેણમાં ઓછા કરાવી રાજ્ય સરકાર સાથે કુલડીમાં ગોળ ભાંગી લીધો છે, પરંતુ નવી જંત્રીના અમલીકરણ બાબતમાં નાના માણસને સીધેસીધો લાભ થાય એવો કોઈ નિર્ણય લેવાયો નથી. ઊલટાનું નવી જંત્રીના અમલ પછી તો ઘણા બધાં વિસ્તારોમાં નાના અને મધ્યમ વર્ગ માટે ભાવવધારાને કારણે નવું ઘર ખરીદવું એક દિવાસ્વપ્ન સમાન બની રહેવાની સંભાવના ઊભી છે. પરિણામે નવી જંત્રીની ક્વાયતમાં નાના માણસોનું હિત સરકાર દ્વારા હૈયે રખાયું નહીં હોવાની એક સ્પષ્ટ છાપ ઊભી થઈ રહી છે.
આ પણ વાંચો: અમદાવાદના નામચીન બિલ્ડરની “રંગીન પાર્ટી”માં પોલીસે ભંગ પડાવ્યો
આંબલી, બોડકદેવ જેવા અતિવિકસિત વિસ્તારોમાં ભારે વિસંગતતા
મેગાસિટી અમદાવાદના થલતેજ, શિલજ ચાર રસ્તા, આંબલી, બોડકદેવ જેવા અતિવિકસિત વિસ્તારોમાં ભારે વિસંગતતા પ્રવર્તે છે, જમીનનો માર્કેટ ભાવ જંત્રી રેટ કરતાં ઘણો જ ઊંચો છે. આ વિસ્તારોમાં નવી જંત્રીના રેટ કરતાંય વધુ ભાવ વધારવાની માગ હતી કે જેથી બીજા વિસ્તારોના બિલ્ડરોને અન્યાય ના થાય પરંતુ રાજ્ય સરકારે આ માગણી અંગે કોઈ જાહેરાત કે નિર્ણય કર્યો નથી. થલતેજમાં નવી જંત્રી મુજબ રેટ ચોરસમીટર દીઠ રૂ.1 લાખ 9 હજાર થયો છે, પણ ત્યાં બધાં જ પોકેટ્સમાં રેટ દોઢ લાખથી વધુ છે, એવી જ રીતે બોડકદેવ, આંબલી, શિલજ ચાર રસ્તા ઉપર માર્કેટ રેટ દોઢ લાખથી વધુ છે, પણ નવી જંત્રીનો દર માંડ રૂ.25 હજાર છે, બિલ્ડરો પોતાના ફાયદા માટે એવું કહે છે કે, આવા વિસ્તારોમાં સરકારે રોડની સાઇઝ મુજબ જંત્રી રેટ રાખવો જોઈએ, અર્થાત્ 100 ફૂટના રોડ ઉપર રેટ ઊંચો અને જેમ રોડ સાઇઝ ઘટે તેમ જંત્રી રેટ પણ ઘટવો જોઈએ.
આ પણ વાંચો: 1800 કરોડના સટ્ટાકાંડમાં મોટા માથાના નામ સામે આવતા લેવાઓ મોટો નિર્ણય
નવી જંત્રીના સંદર્ભમાં જે કંઈ રેટ ઘટાડયા છે તે બિલ્ડરોને લાભ થાય તે રીતના
રાજ્ય સરકારે પણ નવી જંત્રીના સંદર્ભમાં જે કંઈ રેટ ઘટાડયા છે તે બિલ્ડરોને લાભ થાય તે રીતના છે, નાના માણસ માટે ફાયદારૂપ કોઈ રાહતની જાહેરાત સરકારે કરી નથી. થોડા વર્ષો અગાઉ રાજ્ય સરકારે સ્ટેમ્પ ડયૂટીના દર ક્રમશઃ ઘટાડવાનું કહ્યું હતું, પણ એ વિચાર અભેરાઈએ ચડાવી દીધો છે. દેશમાં ભાજપ શાસિત ઓછામાં ઓછા બે રાજ્યોમાં સ્ટેમ્પ ડયૂટીના રેટ રાજ્ય કરતાં ઓછા છે. ગોવા અને કર્ણાટકમાં સ્લેબ આધારિત સિસ્ટમ પ્રવર્તે છે. ગોવામાં દસ્તાવેજ કિંમત રૂ.50 લાખ સુધી 3.5 ટકા, રૂ.51થી 75 લાખ સુધી 4 ટકા અને રૂ. 76થી 1 કરોડ સુધી 4.5 ટકા સ્ટેમ્પ ડયૂટી વસૂલાય છે. એવી જ રીતે કર્ણાટકમાં રૂ. 20 લાખ સુધી 2 ટકા, રૂ.21થી 45 લાખ સુધી 3 ટકા અને રૂ.46થી વધુ રકમમાં 5 ટકા સ્ટેમ્પ ડયૂટી રેટ છે. ગુજરાતમાં પણ 4.9 ટકાના ફ્લેટ સ્ટેમ્પ ડયૂટી રેટને બદલે નાના માણસને લાભ થાય તે રીતે સ્લેબવાળી સિસ્ટમ દાખલ કરવી જોઈએ, પણ રાજ્ય સરકારને એવું સૂઝતું નથી. એવી જ રીતે નોંધણી ફીનો દર 1 ટકાને બદલે ઉચ્ચક રૂ.5,000-7,000 રાખવો જોઈએ કે જેથી નાનો વર્ગ પ્રોત્સાહિત થાય.