જાન્યુઆરી 2025થી કાર ખરીદવી થશે મોંઘી! મારુતિ 4 ટકાનો કરશે વધારો; આ કંપનીઓ પણ સામેલ
- કારને તૈયાર કરવામાં વધારાનો ખર્ચ અને ઊંચા ઓપરેશન ખર્ચને કારણે કિંમતો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો
નવી દિલ્હી, 6 ડિસેમ્બર: દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ જાન્યુઆરી 2025થી પોતાની કારની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ પોતાની એક્સચેન્જ ફાઇલિંગમાં આપેલી માહિતી અનુસાર, જાન્યુઆરી 2025થી કંપનીની કાર ખરીદવી 4% મોંઘી થઈ જશે. કંપનીનું કહેવું છે કે, કારને તૈયાર કરવામાં વધારાનો ખર્ચ અને ઊંચા ઓપરેશન ખર્ચને કારણે તેમણે કિંમતો વધારવાનો નિર્ણય લેવો પડ્યો છે. આ માહિતી બહાર આવ્યા બાદ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અન્ય કાર ઉત્પાદક કંપનીઓ દ્વારા પણ પોતાની કારની કિંમતમાં વધારો કરવામાં આવશે.
મારુતિ સુઝુકી ઇન્ડિયા નવેમ્બર 2024માં સૌથી મોટી કાર વેચતી કંપની હતી. કંપનીએ ગયા મહિને સ્થાનિક બજારમાં કુલ 1,52,898 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જ્યારે નવેમ્બર 2023માં આ આંકડો 1,41,489 યુનિટ હતો. તે જ સમયે, કંપનીએ ગયા મહિને 28,633 એકમોની નિકાસ પણ કરી હતી. કંપનીનું એકંદર વેચાણ 1,81,531 યુનિટ રહ્યું. નવેમ્બર 2023માં કંપનીએ કુલ 1,64,439 યુનિટ્સ વેચ્યા હતા એટલે કે વાર્ષિક ધોરણે તેને 10.39%ની વૃદ્ધિ મળી છે. ઉલ્લેખનીય છે કે, કંપની Arena અને Nexa ડીલરશિપની મદદથી કુલ 17 મોડલ વેચે છે.
Hyundaiની કાર પણ 25 હજાર રૂપિયા થશે મોંઘી
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા પણ જાન્યુઆરી 2025માં તેના ગ્રાહકોને મોટો ઝટકો આપવા જઈ રહી છે. કંપનીએ હાલમાં જ ભાવવધારાની જાહેરાત કરી છે. Hyundai તેના તમામ મોડલની કિંમતો વધારવા જઈ રહી છે. જાણકારી અનુસાર, કંપની તેમાં 25,000 રૂપિયા સુધીનો વધારો કરી શકે છે. કંપની આ ભાવવધારાનું કારણ ઇનપુટ ખર્ચમાં વધારો, પ્રતિકૂળ વિનિમય દર અને લોજિસ્ટિક્સમાં ઊંચા ખર્ચને ટાંકી રહી છે.
Nissanની કાર પણ 2% મોંઘી થશે
નિસાન મોટર ઈન્ડિયાએ તાજેતરમાં દેશમાં 5 લાખ યુનિટના વેચાણનો માઈલસ્ટોન પાર કર્યો છે. કંપની માટે, તેની તમામ નવી મેગ્નાઈટ ફેસલિફ્ટને ભારતીય બજારમાં તેમજ દેશની બહાર પણ પસંદ કરવામાં આવી રહી છે. હવે કંપની પોતાની કારની કિંમતો વધારવા જઈ રહી છે. કંપની પોતાની કારની કિંમતમાં 2% સુધીનો વધારો કરવા જઈ રહી છે. નવી કિંમતો જાન્યુઆરી 2025થી અમલમાં આવી શકે છે.
BMW કાર પણ મોંઘી કરશે
હવે જાન્યુઆરી 2025થી કારની વધતી કિંમતોની યાદીમાં BMW ઇન્ડિયાનું નામ પણ સામેલ છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે, તે જાન્યુઆરી 2025થી તેની કારની કિંમતોમાં વધારો કરશે. કંપની આવતા વર્ષથી વેરિઅન્ટના આધારે તેની કારની કિંમતમાં 3%નો વધારો કરવા જઈ રહી છે. કંપનીએ કિંમત વધારવા પાછળ કોઈ કારણ જણાવ્યું નથી. જો કે, આનું કારણ વધુ ઓપરેશનલ ખર્ચ હોઈ શકે છે. BMW ભારતીય બજારમાં 2 સિરીઝ ગ્રેન કૂપ, 3 સિરીઝ LWB, 5 સિરીઝ, 7 સિરીઝ, X1, X3, X5, X7 અને M340i જેવી કારોની એક સિરીઝનું વેચાણ કરે છે, જે તમામનું ઉત્પાદન દેશમાં સ્થાનિક રીતે થાય છે.
Mercedes-Benz પણ ભાવમાં વધારો કરી રહી છે
2025ની શરૂઆત પહેલા જ મર્સિડીઝ બેન્ઝે સત્તાવાર રીતે કારની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. કંપની 1 જાન્યુઆરી, 2025થી તેની તમામ મોડલ રેન્જની કિંમતોમાં વધારો કરશે. કંપની ઊંચા ઓપરેશનલ ખર્ચને કારણે કિંમતોમાં 3% સુધીનો વધારો કરશે. કંપનીના જણાવ્યા અનુસાર, વધતી જતી સામગ્રી ખર્ચ, મોંઘવારીનું દબાણ અને લોજિસ્ટિક્સ ખર્ચને કારણે કિંમતમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ઓપરેશનલ કોસ્ટમાં વધારો થયો છે.
આ પણ જૂઓ: Hondaએ ADAS ફીચર સાથે નવી ‘Amaze’ કાર લોન્ચ કરી, જાણો કેટલી છે કિંમત?