જામનગરમાં ઉદ્યોગપતિ ઓનલાઈન ભેજાબાજોની છેતરપિંડીનો શિકાર બન્યા
- હીટાચી કંપનીની પરચેસ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેવી ખોટી ઓળખ ઉભી કરી
- મોબાઈલ નંબર અથવા ઇમેલ એડ્રેસ વગેરે બ્લોક કરી દીધા
- વિશ્વાસઘાત અને ઠગાઈ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ
જામનગરમાં ઉદ્યોગપતિ ઓનલાઈન ભેજાબાજોની છેતરપિંડીનો શિકાર બન્યા છે. જેમાં દરેડના વેપારી સાથે રૂપિયા 27.72 લાખની છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
હીટાચી કંપનીની પરચેસ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેવી ખોટી ઓળખ ઉભી કરી
શહેરમાં રહેતા અને દરેડમાં કારખાનું ધરાવતા એક ઉદ્યોગપતિ ઓનલાઈન ભેજાબાજોના છેતરપિંડીનો શિકાર બન્યા છે, અને રૂપિયા 27.72 લાખનો માલ સામાન ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવ્યા પછી તેની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને ઠગાઈ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના વતની અને હાલ જામનગરમાં રહેતા તેમજ દરેડ વિસ્તારમાં પ્લોટ નંબર 3240 એમાં એલ્યુમિનિયમ પ્રોડક્ટનું કારખાનું ધરાવતા રામ નિવાસ પૂખરાજ દેવરા નામના ઉદ્યોગપતિ કે જેઓને તાજેતરમાં ઓનલાઈન પરચેસિંગના માધ્યમથી કોઈ ભેજાબાજોએ પોતાનું નામ કલ્પેશ જોશી અને પોતે હીટાચી કંપનીની પરચેસ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેવી ખોટી ઓળખ ઉભી કરી હતી, અને તે અંગેના ખોટા દસ્તાવેજ વેપારી પેઢીને મોકલ્યા હતા.
મોબાઈલ નંબર અથવા ઇમેલ એડ્રેસ વગેરે બ્લોક કરી દીધા
જામનગરના ઉદ્યોગકાર પાસેથી રૂપિયા 27.72 લાખની કિંમતની 833.50 કિલોગ્રામની ટીન ઈંગોટ નામની પ્રોડક્ટ તૈયાર કરીને મંગાવી હતી. જેથી વેપારી પેઢી દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે ઉપરોક્ત કંપનીને મોકલી દેવાયો હતો. જે માલ સામાન પહોંચી ગયા બાદ જામનગરના વેપારી દ્વારા ઉપરોક્ત રકમની માંગણી કરાતા પોતાના મોબાઈલ નંબર અથવા ઇમેલ એડ્રેસ વગેરે બ્લોક કરી દીધા હતા, અને તેનો સંપર્ક થઈ શક્યો ન હતો.
ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે
આથી વેપારી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તપાસ કરાવી હતી, જયારે પોલીસની પણ મદદ દીધી હતી, જેમાં પોતાની સાથે ઇન્ડિયા ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી 27,72,057 ની છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતા પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 40 કરોડના ખર્ચે બ્રિજ બન્યો, હવે તોડીને નવો બનાવાના 113 કરોડથી પણ વધુ થશે