ગાંધીનગરમાં મંત્રી કુંવરજી બાવળીયાની ઓફિસ બહાર મુકાયેલા બોક્સમાંથી વેપારીનો મોબાઈલ ચોરાયો
ગાંધીનગર, 20 ડિસેમ્બર 2023, ગુજરાતમાં ઘરફોડ ચોરીના ગુનાઓ બેફામ પણે વધી રહ્યાં છે. ચોરી થવી એ જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે ગાંધીનગર સચિવાલયમાં સ્વર્ણિંમ સંકુલ પણ હવે ચોરોથી સુરક્ષિત રહ્યું નથી. સ્વર્ણિંમ સંકુલમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની ઓફિસની બહાર મુકવામાં આવેલા બોક્સમાંથી એક વેપારીનો મોબાઈલ ફોન ચોરાયો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
કુડાસણના વેપારીના મોબાઈલની ચોરી થઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરમાં સ્વર્ણિંમ સંકુલમાં કેબિનેટ મંત્રીઓને મળવા માટે અનેક મુલાકાતીઓ આવતાં હોય છે. ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મની સરકાર બન્યા બાદ તમામ મંત્રીઓના કેબિનમાં મુલાકાતીઓને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. તેમજ મુલાકાતીઓના મોબાઈલ મંત્રીની ઓફિસ બહાર મુકવામાં આવેલા એક બોક્સમાં રાખવા માટે તાકિદ કરાઈ હતી. ગઈ કાલે કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસ બહાર મુકવામાં આવેલા બોક્સમાંથી મોબાઈલની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્વર્ણિમ સંકુલમાં બાવળિયાના કાર્યાલય પહોંચેલ ગાંધીનગરના કુડાસણના વેપારીના મોબાઈલની ચોરી થઈ છે.
વેપારીએ સેક્ટર-7 પોલીસમાં ફરિયાદ નોંધાવી
ગઈ કાલે કુડાસણના અક્ષર બંગ્લોઝમાં રહેતા અને ખેતીવાડીના બિયારણનો ધંધો કરતા હમીરભાઈ વરુ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મળવા માટે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં તેમની ઓફિસે પહોંચ્યા હતા. અહીં તેમને નિયમ મુજબ પોતાનો ફોન ઓફિસની બહાર બોક્સમાં મુક્યો હતો. પરંતુ જ્યારે તેઓ મંત્રીને મળીને ઓફિસની બહાર આવ્યા ત્યારે બોક્સમાં તેમનો ફોન ન હતો. જેથી પહેલા તેમને સ્વર્ણિમ સંકુલના કર્મચારીઓને આ અંગેની જાણ કરી હતી અને બાદમાં આ મામલે સેક્ટર-7 પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર