- ઓસ્ટ્રેલિયાના રાજદૂતે ટ્વિટ કરી આપી જાણકારી
- કોરોના મહામારી દરમિયાન 1500 કરોડનું દાન
- ઑસ્ટ્રેલિયાના ઓર્ડરના જનરલ ડિવિઝનમાં માનદ નિયુક્ત
ભારતીય ઉદ્યોગપતિ રતન તાતાને ઑસ્ટ્રેલિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઑર્ડર ઑફ ઑસ્ટ્રેલિયા એનાયત કરવામાં આવ્યું છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત બેરી ઓ’ ફેરેલે ટ્વિટર પર આ માહિતી આપી હતી. રતન તાતાને ‘વ્યાપાર, ઉદ્યોગ અને પરોપકારના દિગ્ગજ’ તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે ફેરેલે કહ્યું કે રતન તાતાનાં યોગદાનથી ઓસ્ટ્રેલિયા પર નોંધપાત્ર અસર પડી છે.
ઓસ્ટ્રેલિયાના રાજદૂતે ટ્વિટ કરીને માહિતી આપી હતી
રતન તાતાને ઑસ્ટ્રેલિયા-ભારત દ્વિપક્ષીય સંબંધો, ખાસ કરીને વેપાર, રોકાણ અને પરોપકારના ક્ષેત્રોમાં તેમની સેવાઓ માટે ઑસ્ટ્રેલિયાના ઓર્ડરના જનરલ ડિવિઝનમાં માનદ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન રાજદૂત બેરી ઓ’ ફેરેલે શનિવારે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વિટ કરીને કહ્યું કે રતન તાતા માત્ર ભારતના પીઢ ઉદ્યોગપતિ નથી, પરંતુ તેમના યોગદાનની ઓસ્ટ્રેલિયામાં પણ નોંધપાત્ર અસર થવા જઈ રહી છે. તેમણે લખ્યું હતું કે, ‘ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધો પ્રત્યે તેમની લાંબા સમયથી પ્રતિબદ્ધતાની માન્યતામાં રતન તાતાને ઓર્ડર ઑફ ઑસ્ટ્રેલિયા (AO) સન્માન એનાયત કરતાં આનંદ થાય છે.’
સન્માનની તસવીરો શેર કરી હતી
ફેરેલે પોતાના ટ્વિટમાં રતન તાતાનું સન્માન કરતી તસવીર પણ શેર કરી છે. યુઝર્સ તેમના આ ટ્વીટનો સતત જવાબ આપી રહ્યા છે અને રતન તાતાના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે રતન તાતાને લિવિંગ લિજેન્ડ લખીને સંબોધિત કર્યા છે, જ્યારે બીજાએ તેમને મહાન પ્રેરણા ગણાવી છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન પણ જોવા મળે છે.
રતન તાતા આટલી સંપત્તિના માલિક છે
ટાટા ગ્રૂપને આકાશની ઊંચાઈએ લઈ જનાર રતન તાતા દેશના અમીરોમાં સામેલ છે અને તેમની સંપત્તિ 4000 કરોડ રૂપિયાની આસપાસ છે. ગયા મહિને આવેલી IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં રતન ભારતીય અમીરોની યાદીમાં 421માં નંબરે હતા. તે જ સમયે, ગયા વર્ષ એટલે કે 2021ના રિપોર્ટમાં, તેઓ 3,500 કરોડની સંપત્તિ સાથે 433મા સ્થાને હતા.
મોટા દાતાઓમાં રતન તાતા
રતન તાતાની ગણના દેશના સૌથી પરોપકારી લોકોમાં થાય છે. આનું કારણ એ છે કે ટાટા ટ્રસ્ટ દ્વારા, તેઓ સામાજિક કાર્યોમાં વ્યાપકપણે સંકળાયેલા છે અને તેઓ તેમની કમાણીનો મોટો ભાગ દાનમાં આપે છે અથવા ખર્ચ કરે છે. રિપોર્ટ્સ અનુસાર, રતન ટાટા તેમની કમાણીનો 60થી 70 ટકા દાન કરે છે, તેમણે કોરોના મહામારી દરમિયાન લગભગ 1500 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.