વડોદરામાં એકના ડબલ કરાવવાની લાલચમાં વેપારીએ રૂ.23 લાખ ગુમાવ્યા
- ₹10ની મોરની છાપવાળી નોટથી રૂપિયા ડબલ કરી આપવાની વાત કરી
- લાલચમાં લપેટાઈને અજયે ટુકડે ટુકડે રૂપિયા 23 લાખ આપ્યા હતા
- વેપારીએ પાંચ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી
વડોદરા તાલુકાના વેમાલી ગામે ટી સ્ટોલ ધરાવતા એક યુવાને એકના ડબલ કરવાની લાલચમાં લપેટાઈને રૂપિયા 23 લાખ ગુમાવ્યા હોવાથી પાંચ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
₹10ની મોરની છાપવાળી નોટથી રૂપિયા ડબલ કરી આપવાની વાત કરી
સમગ્ર ઘટના વિશે જાણીએ તો શહેર નજીકના વેમાલી ગામના મહાદેવ ફળિયામાં રહેતા 41 વર્ષના વેપારી અજયકુમાર ભઈલાલ પરમારે મંજુસર પોલીસમાં જણાવ્યું હતું કે તેઓ સમા સાવલી રોડ પર જય માતાજી ટી સ્ટોલ ધરાવે છે. સ્ટોલ પર સપ્ટેમ્બર માસની 26 તારીખે સવારે 10 વાગ્યે ગુરુજી નામ ધરાવતા એક ગુરુ સહિત પાંચ વ્યક્તિ આવ્યા હતા. તે પૈકી બેના નામ રાજુ અને મહેશ હતા. તેઓએ અજયને ₹10ની મોરની છાપવાળી નોટથી રૂપિયા ડબલ કરી આપવાની વાત કરી હતી.
લાલચમાં લપેટાઈને અજય રૂપિયા પાંચ લાખ આપ્યા હતા
તેમની વાતમાં અને વિશ્વાસમાં આવી અને લાલચમાં લપેટાઈને અજય રૂપિયા પાંચ લાખ આપ્યા હતા. જે ડબલ કરીને આ ટોળકીએ અજયને પરત આપ્યા હતા. બાદ લાલચમાં આવીને અજય 28/11/2024 સુધીમાં ટુકડે ટુકડે રૂપિયા 23 લાખ આ ટોળકીને આપ્યા હતા. બાદ નાણા પરત નહી ફરતા અજય વારંવાર માગણી કરી હતી. તેમ છતાં કોઈ જ જવાબ નહીં મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો