ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

36ના મૃત્યુ અને 19 ઈજાગ્રસ્ત; ઉતરાખંડના અલમોડામાં ખાઈમાં ખાબકી બસ

ઉત્તરાખંડ, 4 નવેમ્બર : ઉત્તરાખંડના અલ્મોડામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડી જતાં 36 લોકોના મૃત્યુ થયા હતા અને 19 ઘાયલ થયા હતા. આ અકસ્માત ગઢવાલ-રામનગર માર્ગ પર સોલ્ટ પાસે થયો હતો. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ પીડિતોને આર્થિક સહાયની જાહેરાત કરી છે અને મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.

3 ઘાયલોને એરલિફ્ટ કરીને AIIMS ઋષિકેશમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલ મુસાફરને એસટીએચ હલ્દવાનીમાં દાખલ કરવામાં આવ્યો છે. 15 ઘાયલોની રામનગર ઉપજીલા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 36 મુસાફરોના મૃતદેહ મળી આવ્યા છે. દરેકની ઓળખ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, સોમવારે સવારે એક બસ ગૌરીખાલથી રામનગર જવા રવાના થઈ હતી. બસ ઓવરલોડ હતી. સોલ્ટ્સ કૂપ પાસે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. થોડી જ વારમાં બસ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. બસ પડતાની સાથે જ મુસાફરોમાં ચીસાચીસ કરી હતી.

અકસ્માત સમયે કેટલાક મુસાફરો બહાર પડી ગયા હતા. ઘાયલ મુસાફરોએ સવારે 9 વાગ્યે કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર વિનીત પાલે જણાવ્યું હતું કે સોલ્ટ અને રાનીખેતથી ટીમોને સ્થળ પર મોકલવામાં આવી હતી, જેમણે મૃતકો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. જ્યાં આ દુર્ઘટના થઈ તે સ્થળ પૌડી-અલમોડા બોર્ડર પાસે છે. આ જગ્યા રામનગર પાસે છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે, ‘અલમોડા જિલ્લાના મર્ચુલામાં દુર્ભાગ્યપૂર્ણ બસ અકસ્માતમાં જાનહાનિ અંગે અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ઘટના સ્થળે, સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમો ઘાયલોને બહાર કાઢવા અને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા માટે ઝડપથી કામ કરી રહી છે. જો જરૂરી હોય તો ગંભીર રીતે ઘાયલ મુસાફરોને એરલિફ્ટ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

પીડિતોને સહાયની જાહેરાત, જવાબદારો સામે પગલાં લેવાશે
મુખ્યમંત્રીએ પૌડી અને અલ્મોડાના એઆરટીઓને સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. કુમાઉ ડિવિઝનના કમિશનરને આ ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સેન્સેક્સ – નિફ્ટીમાં કડાકો, 15 મિનિટમાં રોકાણકારોએ છ લાખ કરોડ ગુમાવી દીધા

Back to top button