ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીરના ડોડામાં બસ ખાઈમાં પડી, 36 મુસાફરોના મૃત્યુ, ઘટનાસ્થળનો વીડિયો જૂઓ

Text To Speech
  • જમ્મુથી કિશ્તવાડ જઈ રહેલી બસને બુધવારે ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 36 મુસાફરોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી મૃતકોનો આંક હજી વધી શકે છે.

ડોડા: જમ્મુ-કાશ્મીરના ડોડાથી એક ભયાનક બસ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડી છે. આ બસ ખાઈમાં પડવાની સાથે જ બસમાં મુસાફરી કરી રહેલા 36 લોકોના મૃત્યુ થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુઃખદ ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

 

બસમાં 55 મુસાફરો સવાર હતા

સૂત્રોના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત બસમાં 55 મુસાફરો સવાર હતા અને આ બસ જમ્મુથી કિશ્તવાડ જઈ રહી હતી. જોકે, રસ્તામાં જ અસાર વિસ્તારમાં જ બસને ભયાનક અકસ્માત થયો હતો. વહીવટીતંત્ર દ્વારા ઘાયલ મુસાફરોને ડોડા જિલ્લા સરકારી હોસ્પિટલ અને કિશ્તવાડ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

દરમિયાન, ઘટનાસ્થળનો ડ્રોન દ્વારા લેવાયેલો વીડિયો સમાચાર એજન્સીએ રિલિઝ કર્યો છે.

અહીં જૂઓઃ

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપી જાણકારી

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે અસ્સાર વિસ્તારમાં બસ દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ તેણે ડોડાના ડીસી હરવિંદર સિંહ સાથે વાત કરી છે. ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અને જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. વધુ ઘાયલોને ખસેડવા માટે હેલિકોપ્ટર સેવાની વ્યવસ્થા કરવામાં આવશે. જરૂરીયાત મુજબ તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ‘હું સતત સંપર્કમાં છું’.

PMએ વળતરની જાહેરાત કરી

પીએમ મોદીએ ડોડામાં બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના ડોડામાં બસ દુર્ઘટના દુઃખદ છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય. પીએમએ વધુમાં કહ્યું કે દરેક મૃતકોના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.

કેવી રીતે થયો અકસ્માત?

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતનું કારણ બસનું ઓવરલોડિંગ હતું. આ ઉપરાંત બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ બસ અકસ્માતમાં મૃત્યુઆંક હજુ વધી શકે છે. આ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે.

આ પણ વાંચો: સુરત: ગટર સાફ કરતાં શ્વાસ રૂંધાવાથી 4 સફાઈ કર્મીઓનાં દર્દનાક મૃત્યુ

Back to top button