રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ-પુરૂષો દ્વારા રૂપાલાના પૂતળાનું દહન
રાજકોટ, 30 માર્ચ : રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ હવે ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ઉગ્ર રૂપ ધારણ કર્યુ છે. હજી ગોંડલમાં 24 કલાક પહેલાં જ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મીટિંગમાં માફી માગી હતી છતાં પણ વિરોધ ચાલી રહ્યો છે. જેમાં હવે મહિલાઓ દ્વારા રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું અને હજી પણ વિવાદનો અંત આવ્યો નથી તેમ કહેવામાં આવ્યું છે.
ક્ષત્રિય સમાજની મહિલાઓની બેઠક મળી
મળતી માહિતી મુજબ, આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓની બેઠક પદ્મિનીબા વાળાની આગેવાનીમાં મળી હતી. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ પદ્મિનીબાએ જણાવ્યું કે, વિવાદનો અંત આવ્યો નથી, હજુ શરૂ થયો છે. આ સાથે જ પદ્મિનીબાએ ફરી એકવાર જયરાજસિંહ જાડેજા પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ક્ષત્રિય સમાજનો નિર્ણય લેનાર જયરાજસિંહ કોણ?” ગઈકાલે મિટિંગમાં હાજર હતા તેઓ સિંહ ના લગાવે. હવે અમે સરકાર સામે લડીશું અને ન્યાય મેળવીશું. જે સાથે જ મહિલાઓ દ્વારા રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે હજી પણ ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિરોધ ચાલી રહ્યો છે.
ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે
જ્યારે તેમની માંગણી અંગે પદ્મિનીબાએ જણાવ્યું કે, રાજકારણમાં ખોટા લોકો જોડાયેલા છે. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ કરીશું. અમે રૂપાલાને માફી નહીં આપીએ. અમારા ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે. જેના માટે વિરોધ ચાલું રાખીશું. જે પછી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ અને પુરુષો દ્વારા રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જે પછી સ્થાનિક પોલીસ દ્વારા પૂતળાની આગ પર પાણી નાખવામાં આવ્યું હતું. જે દરમિયાન ત્યાં હાજર ભીડ દ્વારા રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.