

29 મે, દુબઈ: શાહરૂખ ખાનની માલિકીવાળી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ આ વર્ષે IPLની ચેમ્પિયન ટીમ બની છે. તેણે આ ટુર્નામેન્ટ ત્રીજી વખત જીતી છે. KKRને અભિનંદન આપવા માટે ટીમના ખેલાડીઓ, ટીમ મેનેજમેન્ટ અને શાહરૂખ ખાનને દેશ-વિદેશથી સંદેશાઓ તો આવતા જ હશે પરંતુ દુબઈના પ્રખ્યાત બુર્જ ખલીફા ઉપર આ અંગે એક ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
KKRને અભિનંદન આપવા માટે બુર્જ ખલીફા ખાસ ટીમની જર્સીના રંગ એટલેકે પર્પલ રંગમાં રંગાઈ ગયો હતો. KKRની સોશિયલ મીડિયા ટીમ દ્વારા આ ખાસ પ્રસંગના વિડીયોને તમામ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે જેને KKR ફેન્સ દ્વારા વધાવી લેવામાં આવ્યો છે.
આપણે જાણીએ જ છીએ કે શાહરૂખ ખાન અને દુબઈ વચ્ચે બહુ જૂનો સંબંધ છે. શાહરૂખ ખાનના જન્મદિવસે કે પછી તેની નવી ફિલ્મ રિલીઝ થવાની હોય તે પ્રસંગે બુર્જ ખલીફા પર તેનું ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. શાહરૂખના જન્મ પ્રસંગે તેને અભિનંદન અને ફિલ્મની રિલીઝ અગાઉ ટ્રેલર અને તેને શુભેચ્છાઓ પણ આપવામાં આવતી હોય છે.
આથી KKRના માલિકે મળેલી આ અનોખી સફળતા બાદ બુર્જ ખલીફા પર તેની ઉજવણી ન થઇ હોત તો જ લોકોને નવાઈ લાગી હોત.
View from the top 👉 It’s all PURPLE! 💜 pic.twitter.com/IqMJQnbxlY
— KolkataKnightRiders (@KKRiders) May 28, 2024
ગત રવિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2024 Finalમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સન રાઈઝર્સ હૈદરાબાદને આસાનીથી હરાવી દીધા હતા. કોલકાતાએ આ ટ્રોફી દસ વર્ષ બાદ જીતી હતી. અહીં નોંધવા જેવી હકીકત એ છે કે 2014માં KKRના કેપ્ટન ગૌતમ ગંભીર હતા જે આ વખતે ટીમના મેન્ટર છે.
કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાન અને ગૌતમ ગંભીર વચ્ચે ઘર જેવા સંબંધો છે અને આ વર્ષે લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટરપદેથી રાજીનામું આપીને પોતાની ટીમનું મેન્ટરપદ સ્વીકારવા માટે શાહરૂખે ગૌતમ પાસેથી દસ વર્ષ આ પદ સંભાળવાનું વચન લઇ લીધું છે. આટલું જ નહીં શાહરૂખે ગૌતમને કોરો ચેક પણ આપ્યો હતો.
KKRએ આ વર્ષની ટુર્નામેન્ટ માટે થયેલા ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને સૌથી મોંઘા ભાવે એટલેકે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પ્લેઓફ્સની બંને મેચોમાં સ્ટાર્કે ધારદાર સ્વિંગ બોલિંગ કરીને ટીમને જીતાડી દીધી હતી અને પોતાના મૂલ્યને સાબિત કરી આપ્યું હતું.