ડીસામાં ભાજપની દાદાગીરી : આમ આદમી પાર્ટીના ઝંડા ઉખાડી ફેંક્યા


પાલનપુર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનુ રાજકીય પક્ષોએ પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં આમ આદમી પાર્ટી ના પ્રચાર અર્થે આવી રહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના કાર્યક્રમ અગાઉ સમગ્ર શહેરમાં લગાવેલા આમ આદમી પાર્ટીના ઝંડા ભાજપ કાર્યકરોએ ગત રાતે જ ઉખેડી નાખી દાદાગીરી કરી ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે.
મનીષ સિસોદિયા ના રોડ શો પહેલા જ ભાજપની ગુંડાગીરી : ડો. રમેશ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર કાર્ય શરૂ કરી દીધા છે.જેમાં બનાસકાંઠામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે રોડ શો અને જાહેર સભા સંબોધી હતી. ડીસામાં આમ આદમી પાર્ટીની જાહેર સભા અને રોડ શો હોવાથી પાર્ટીના કાર્યકરોએ ગઈકાલે સમગ્ર શહેરમાં આમ આદમી પાર્ટીના ઝંડા લગાવ્યા હતા. જોકે ભાજપ કાર્યકરોએ ગઈ રાત્રે જ સમગ્ર શહેરમાંથી આમ આદમી પાર્ટીના ઝંડા ઉખેડી ફેંકતા રાજકારણ ગરમાયુ છે.ડીસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રમેશ પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ભાજપ બોખલાઈ ગયો છે, અને રીતસરની ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યો છે. તેમણે ભાજપને આવી ગુંડાગીરી બંધ કરી શિક્ષણ અને આરોગ્યની સારી સેવાઓ આપવાની સલાહ આપી હતી. ડીસામાં ભાજપના કાર્યકરોએ આમ આદમી પાર્ટીના ઝંડા ઉખેડી ગુંડાગીરી અને દાદાગીરી નું વરવું પ્રદર્શન કર્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો: ગીર સોમનાથના દરિયા કિનારેથી ચરસના 16 પેકેટ મળી આવ્યા, SOG એ સઘન પૂછતાછ હાથ ધરી