બાંધકામ સમય મર્યાદા નાબૂદ કરાતા ડીસાના બિલ્ડરો ખુશ- ખુશાલ
પાલનપુર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે શુક્રવારે બાંધકામ સમય મર્યાદાનો શરતભંગનો ક્રાંતિકારી નિર્ણય જાહેર કરતાની સાથે તત્કાળ અસરથી તેનો અમલ કરવા કલેક્ટરેટને આદેશ કર્યો છે. આ સાથે જ બિનખેતીના કિસ્સામાં અધિકારીઓ દ્વારા બાંધકામની સમયમર્યાદાના નામે ખેડૂતોને દેખાડાતો ‘શરતભંગ’ના ડરનો કાયમી ધોરણે અંત આવશે.
ગુજરાતમાં કોઈ પણ ખેડૂત જ્યારે પોતાની માલિકીની જમીનને બિનખેતીમાં રૂપાંતરણ માટે અરજી કરે છે ત્યારે તેની મંજૂરી અર્થાત પરવાનગીમાં ‘ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાની શરતે’ હુકમ થાય છે. જો કે, 16 જૂન 2022ને શુક્રવારે સાંજે મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી સુનિલ સુલજાની સહીથી પ્રસિધ્ધ પરિપત્રમાં કહેવાયુ છે કે, વર્ષ 1972ના ગુજરાત જમીન મહેસૂલ નિયમોના નિયમ -87 હેઠળ સનદનો નમુનો ‘ત’માંથી બાંધકામની સમયમર્યાદા દર્શાવતી શરત ક્રમાંક- 4 દૂર કરવામાં આવે છે. આ શરતમાં મંજૂરી મળ્યા તારીખથી મહત્તમ ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાનું રહેતુ હતુ. તેવી જ રીતે વર્ષ 1879ની મહેસૂલી સંહિતાની કલમ -65 હેઠળ પણ ઓનલાઈન હુકમોમાંથી બાંધકામ પૂર્ણ કરવાની શરત દુર કરવામાં આવે છે. આથી ડીસા બિલ્ડર એસોસિએશન ના અધ્યક્ષ કલ્યાણભાઈ રબારી (રાણપુર) ની આગેવાનીમાં સાઈબાબા મંદિર ખાતે બિલ્ડરોએ એકત્ર થઈ આ નિર્ણયને આવકારી ઉજવણી કરી હતી.
ડીસાના સાઈબાબા મંદિર ખાતે બિલ્ડરો દ્વારા ઉજવણી કરવામાં આવી
ઉલ્લેખનિય છે કે, મહેસૂલ વિભાગના આ નિર્ણયથી બિનખેતીના હુકમમાં બાંધકામની શરતભંગના કિસ્સાના નામે અધિકારીઓ તરફથી થતી કનડગત અને ભ્રષ્ટાચારમાં કાપ મુકાશે. અગાઉથી ચાલતા સેંકડો કેસો પણ આપોઆપ નિરસ્ત થશે ! પરિપત્રમાં વર્ષ 1876ના જમીન મહેસૂલ સંહિતાની કલમ 66-67 હેઠળ શરતભંગના કેસો ચલાવતી વખતે બિનખેતી પરવાનગીના હુકમમાં સમાવિષ્ટ બાંધકામની સમયમર્યાદા બાબતના કેસોને શરતભંગ ન ગણવા તમામ કલેક્ટરોને સુચના અપાઈ છે. એટલે કે અગાઉના વર્ષોમાં બિનખેતીના હુકમમાં બાંધકામની શરતનો ભંગ થયો હોય તેવા સેંકડો કેસો પણ શુક્રવારથી આપોઆપ નિરસ્ત થઈ જશે.