રહેણાંકો-દુકાનોમાં જંત્રીનો દર 20% જ વધારો, પ્રોપર્ટી ટેક્સ યથાવત્ રાખો તેમ અગ્રણી બિલ્ડરો જણાવી રહ્યાં છે. તેમજ પેઇડ એફએસઆઇમાં તથા શરતફેરના પ્રીમિયમમાં 50 ટકા રાહત રાજ્યના બિલ્ડરો માગી રહ્યાં છે. તેમજ ડબલ જંત્રી સામે બિલ્ડરોએ CM સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી છે. તથા બિલ્ડરોએ કેટલાક વિસ્તારોની વિસંગતતા દૂર કરવાની પણ માગણી કરી છે. ગુજરાતમાં જંત્રીના દર બમણા કરવામાં આવતાં રાજ્યભરના બિલ્ડરો ઊહાપોહ મચાવી એનો વિરોધ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વિદ્યાર્થીઓનું ભાવી અદ્ધરતાલ, 1,657 સ્કૂલોમાં ફક્ત એક જ શિક્ષક
મુખ્યમંત્રીએ રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી ઝડપથી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી
રાજ્યના બિલ્ડરોના એસોસિયેશન સાથે સંકળાયેલા અગ્રણી બિલ્ડરોએ સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે લંબાણપૂર્વક બેઠક યોજી તાત્કાલિક અસરથી જંત્રી બમણી કરવાના નિર્ણયને હાલ પૂરતો માકૂફ રાખી તે રાજ્યના સ્થાપનાદિન પહેલી મેથી લાગુ કરવા અને ત્યાં સુધી માર્કેટ સરવે કરી તે જંત્રીના દર અમલમાં મૂકવાની સાથે બિલ્ડરોને રાહતો આપવાની માગણી કરી છે. મુખ્યમંત્રીએ રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી ઝડપથી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: 11 હેરિટેજ ઈમારતનું 7 દિવસનું લાઇટબિલ જાણી દંગ રહી જશો
સોદાઓ વિલંબમાં પડવાની કે ફોક થવાની શક્યતા
બિલ્ડરોની મુખ્ય દલીલો એ છે કે, સદર વધારાને કારણે બિલ્ડરોનો ખર્ચ ખાસ્સો વધી જાય તેમ છે, ઉદાહરણ તરીકે 60 ફ્લેટની કોઈ સ્કીમ હોય અને જંત્રી રૂ. 10 હજાર હોય તો સ્થાનિક તંત્ર પાસેથી પેઇડ એફએસઆઈ ખરીદતી વખતે અત્યારે જંત્રીના 40 ટકા લેખે જે અંદાજે રૂ. 4 હજાર ભરવાના આવે છે તે નવી જંત્રી પ્રમાણે સીધા બમણાં ભરવા પડે અને આ ભારણ હજારોમાં નહીં પણ કરોડોમાં હોય છે, એટલે બિલ્ડરોનો ડબલ થતો ખર્ચ સરવાળે મકાન-દુકાન ખરીદનારના માથે આવે તો તેમને મોંઘવારીમાં મોટો ફટકો પડી રહ્યો છે, પરિણામે નાના-મધ્યમ વર્ગનો ખર્ચ તેમની કેપેસિટી કરતાં 20થી 25 ટકા વધી જવાથી સોદાઓ વિલંબમાં પડવાની કે ફોક થવાની શક્યતા હોઈ ડેવલપર્સ અને ગ્રાહક વચ્ચે વિવાદ થઈ શકે છે. આથી આવા વ્યવહારો નિયત સમયે પૂર્ણ થાય તે માટે પૂરતો સમય મળી રહે તે બાબત ધ્યાને રાખી નવી જંત્રીનો અમલ પહેલી મે, 2023થી કરવામાં આવે.
આ પણ વાંચો: ગુજરાતના સૌથી મોટા 1,414 કરોડના સટ્ટાકાંડમાં નવા ખુલાસા સામે આવ્યા
નાના માણસને આ પોસાશે નહીં અને તેનું ઘરનું ઘર ખરીદવાનું સપનું રોળાઈ જશે
બિલ્ડરોએ બીજું એક ઉદાહરણ આપતાં કહ્યું કે, એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં 100 ટકા પેમેન્ટ ચેકથી થતું હોઈ સરેરાશ રૂ.40 લાખના મકાનમાં અત્યારે 40 લાખનો દસ્તાવેજ થાય છે અને એમાં જંત્રીની કિંમત રૂ.32થી 33 લાખ જેટલી હોય છે. હવે જંત્રી ડબલ થતાં મકાનની કિંમત સીધી વધીને અંદાજે રૂ. 64 લાખ થઈ જશે, તેથી રૂ. 40 લાખના અગાઉના વ્યવહારમાં ખર્ચ સીધો રૂ.24 લાખ વધી જતાં નાના માણસને આ પોસાશે નહીં અને તેનું ઘરનું ઘર ખરીદવાનું સપનું રોળાઈ જશે.
આ પણ વાંચો: ચોટીલામાં રોપ-વે બાબતે ગોલમાલ, મોરબી જેવી ઘટના બને તો નવાઇ નહી
ટેક્સનું ભારણ નહીં વધારી સામાન્ય લોકોને રાહત આપવા સરકારને જણાવ્યું
બિલ્ડરોએ જૂની શરતમાં જમીનની તબદિલીમાં પ્રીમિયમનો હાલનો દર 40 ટકા ઘટાડીને 20 ટકા કરવાની અને રહેણાંક તથા દુકાનોમાં જંત્રીનો વધારો માત્ર 20 ટકા જ લાગુ કરવાની માગણી કરી છે. સાથોસાથ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રોપર્ટી ટેક્સ જે અત્યારે જંત્રીના દર સાથે લિન્ક છે તેમાં ટેક્સનું ભારણ નહીં વધારી સામાન્ય લોકોને રાહત આપવા સરકારને જણાવ્યું છે.