ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મવીડિયો સ્ટોરી

Video: સ્કીમમાં વેચાણ વધારવા બિલ્ડરે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ચોરી કરતા હજ્જારો જૈનોની લાગણી દુભાઇ

અમદાવાદ, 17 ફેબ્રુઆરી, 2025: પોતાના ફાયદા માટે લોકો ભગવાનનું પણ કાસળ કાઢી નાખતા વિચાર કરતા નથી તેવો એક કિસ્સો અમદાવાદમાં બહાર આવ્યો છે. મળતી માહિતી અનુસાર ગત તા. 10 ફેબ્રુઆરીના રોજ મધ્યરાત્રિએ સ્કીમમાં વેચાણ વધારવા બિલ્ડરે શહેરના રાજપુર-ગોમતીપુરમાં આવેલ 500 વર્ષ જૂનું શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાંથી ધર્માચાર્યો અને જૈન શ્રાવિકોની જાણ બહાર ભગવાનની મૂર્તિ ખંડિત કરીને ચોરી લેતા સમગ્ર જૈન સમાજમાં હાહાકાર મચી ગયો છે. આ બાબતેનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ સમગ્ર કાંડ પાછળ જાણીતા બિલ્ડર જવાબદાર છે. જેમણે પોતાની શીલજ ખાતેની સ્કીમમાં વેચાણ વધારવા માટે શ્રી ચિંતામણી પાર્શ્વનાથની 500 વર્ષ જૂની મૂર્તિને લઇ જઇને પોતાની સાઇટ પર સ્થાપિત કરી દીધી છે. જેથી તે પાયાની કિંમત સામે ત્રણથી ચાર ગણા ભાવ પોતાની મિલકત સામે લઇ શકે. મળતી માહિતી અનુસાર મોહનખેડાના રાષ્ટ્રીય સંત નિલેશ ચંદ્રમુનિએ જણાવ્યુ હતુ કે જ્યાં સુધી મૂર્તિ પાછી નહી આવે ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરીશ.

જ્યારે શ્રદ્ધાળુઓ આ સ્કીમમાં ભગવાનના દર્શનાર્થ ગયા હતા અને મૂર્તિ પરત કરવાની વિનંતી કરી હતી પરંતુ બિલ્ડરે તમામને ધમકાવીને કાઢી મુક્યા હતા. આ ઘટનાથી પરિચિત સૂત્રોના અનુસાર આ મૂર્તિનો ઇતિહાસ 500થી 600 વર્ષ જૂનો છે. પ્રભુજીની મૂર્તિની પ્રતિષ્ઠા અકબરના શાસનમાં થઇ હોવાની ચર્ચા છે.

જો પ્રભુજીનું ઉત્થાપન કરવુ હોય તો તેની ચોક્કસ વિધિ હોય છે. ભગવાન આત્રા આપે તો જ ઉપાડી શકાય છે. આ પહેલા ચાર વખત આવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ભગવાને હુકમ આપ્યો ન હતો. હાલમાં જે લોકો મૂર્તિ ચોરી ગયા છે તેમણે રાત્રે 3 વાગ્યે ચોરી કરી હતી અને હથોડા અને છીણી મારીને મૂર્તિ લઇ ગયા છે.

જો આ લોકોએ  મૂર્તિ લઇ જ જવી હોય તો દર રવિવારે હજ્જારોની સંખ્યામાં અહીં ભક્તો દર્શનાર્થે આવે છે ત્યારે જ ઘોષણા કરીને સૌની સંમતિ લઇ શક્યા હોત. જોકે તેમણે કોઇને વિશ્વાસમાં લીધા બિલ્ડર અને ટ્રસ્ટીઓની મિલીભગતથી આ હીણપતભર્યુ કૃત્ય આચરવામાં આવ્યુ છે. આ બિલ્ડરે શીલજમાં પોતાની સ્કીમ નાખી છે અને તેમાં વેચાણ વધારવા માટે આ કીમિયો અજમાવ્યો છે. આ સાઇટ પર મંદિર બન્યુ નથી. જો મંદિર હોત તો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી ન હોત. આજ સુધી કોઇ વિધર્મીઓએ અમારા મંદિર પર પથ્થર ફેંક્યો નથી ત્યારે આવુ કૃત્ય તેમને પણ શરમાવે છે.

અગાઉ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી ન હતી પરંતુ બાદમાં ગોમતીપુર પોલીસ સ્ટેશને કાચા પેપર ફરિયાદ લીધી છે. આ ફરિયાદ પાંચેક જેટલા જૈન અગ્રણીઓ દ્વારા મનનભાઇ શાહ, આશિત શાહ, પ્રકાશભાઇ (રત્નમણિ) અને અમીતભાઇ સામે કરવામાં આવી છે. દરમિયાનમાં આજે સાંજે ડીસીપી સાથે ફરિયાદીઓની બેઠક છે.,

આ પણ વાંચો..જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, જાણો શું

Back to top button