બેંગ્લોર: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વિપક્ષી ગઠબંધનને ‘INDIA’ કહેવામાં આવશે અને બેઠકમાં સામેલ તમામ પક્ષો તેના પર સહમત થયા છે.
વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનને ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (ઇન્ડિયા)’ નામ આપવામાં આવ્યું છે. વિપક્ષની આગામી બેઠક મુંબઈમાં યોજાશે.
ખડગેએ કહ્યું કે પ્રચાર પ્રબંધન માટે સેક્રેટિયટની રચના કરવામાં આવશે અને અન્ય ચોક્કસ મુદ્દાઓ પર દિલ્હીમાં અન્ય સમિતિઓની રચના કરવામાં આવશે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ પણ ટ્વીટમાં ‘INDIA’નો ઉલ્લેખ કર્યો અને લખ્યું- I-Indian, N-National, D-Developmental, I-Inclusive, A-Alliance.
કોણ હશે મહાગઠબંધનનો ચહેરો?
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે ‘INDIA’નો ચહેરો કોણ હશે?
આના જવાબમાં ખડગેએ કહ્યું કે જુઓ, તમે જે પ્રશ્ન પૂછ્યો હતો તે એ છે કે તેનું નેતૃત્વ કોણ કરશે અને કોણ તેને આગળ લઈ જશે. એટલા માટે મેં કહ્યું કે અમે 11 લોકોની સંકલન સમિતિ બનાવી રહ્યા છીએ. તે 11 લોકોની બેઠકમાં નક્કી કરવામાં આવશે કે કન્વીનર કોણ હશે. તે એક નાનો મુદ્દો છે, અમે તેને ઉકેલીશું.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “આ અમારી બીજી બેઠક છે. આજે ઘણું ફળદાયી કામ થયું છે. લડાઈ ભાજપની વિચારધારા અને તેમની વિચારસરણી સામે છે.”
“તેઓ દેશ પર આક્રમણ કરી રહ્યા છે. બેરોજગારી ફેલાઈ રહી છે. દેશની તમામ સંપત્તિ પસંદ કરેલા લોકોના હાથમાં જઈ રહી છે અને તેથી જ્યારે અમે વાટાઘાટો કરી રહ્યા હતા ત્યારે અમે પોતાને પ્રશ્ન પૂછ્યો કે લડાઈ કોની વચ્ચે છે?”
“આ લડાઈ વિપક્ષ અને ભાજપ વચ્ચેની નથી. દેશનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે અને કચડી નાખવામાં આવી રહ્યો છે. તે દેશના અવાજની લડાઈ છે અને તેથી તેનું નામ પસંદ કરવામાં આવ્યું, ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન. તેનો અર્થ છે ભારત.
“આ લડાઈ એનડીએ અને ભારત (I.N.D.I.A) વચ્ચે છે. તે નરેન્દ્ર મોદીજી અને ભારત વચ્ચે છે. તે તેમની વિચારધારા અને ભારત વચ્ચે છે. તમે જાણો છો કે જ્યારે પણ કોઈ ભારતની સામે ઊભું હોય ત્યારે કોણ જીતે છે. આ કહેવાની જરૂર નથી.”
“હવે અમે એક એક્શન પ્લાન તૈયાર કરીશું, જ્યાં સાથે મળીને અમે દેશમાં અમારી વિચારધારા વિશે વાત કરીશું અને અમે દેશ માટે શું કરવા જઇ રહ્યાં છીએ તે અંગેની વાત કરીશું.”
અરવિંદ કેજરીવાલે શું કહ્યું?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “આજથી 9 વર્ષ પહેલા આ દેશની જનતાએ નરેન્દ્ર મોદીજીને જંગી બહુમતી આપી હતી. આ વર્ષોમાં તેમને દેશ માટે ઘણું બધું કરવાની તક મળી હતી, પરંતુ આ 9 વર્ષોમાં તેમણે એકપણ કામ એવું કર્યું નથી કે જેમાં કહી શકીએ કે, આ ક્ષેત્રમાં પ્રગતિ થઈ છે.
“દરેક સેક્ટરને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નથી. જો તમે સેકન્ડ ક્લાસની રેલવે ટિકિટ લઈને મુસાફરી કરો તો તમને ખ્યાલ આવી જશે કે ચાર-પાંચ વર્ષ પહેલાં રેલવે સારી રીતે ચાલતી હતી, પરંતુ આજે તે બરબાદ થઈ ગઈ છે.”
“તેઓએ અર્થવ્યવસ્થાને બરબાદ કરી, રેલ્વેને બરબાદ કરી, તમામ એરપોર્ટ વેચ્યા, જહાજો વેચ્યા, આકાશ, ધરતી, પાતાળ બધુ જ તેમના લોકોને વેચી દીધું.”
“આજે દેશમાં દરેક વ્યક્તિ દુઃખી છે. યુવાનો, ખેડૂતો, મજૂરો, ઉદ્યોગપતિઓ, ગૃહિણીઓ બધા દુઃખી છે. આજે 26 પક્ષો પોતાના માટે એકઠા થયા નથી. દેશમાં જે રીતે નફરત ફેલાવવામાં આવી રહી છે તેનાથી આપણે દેશનો બચાવ કરવાનો છે. આપણે નવા ભારતના સ્વપ્ન માટે એકસાથે આવ્યા છીએ.”
ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
શિવસેના (ઉદ્ધવ)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બીજી બેઠક સફળ રહી અને આ લડાઈ અમારા પરિવાર માટે નથી પરંતુ દેશ અમારો પરિવાર છે.
શું કહ્યું મમતા બેનર્જીએ?
મમતા બેનર્જીએ કહ્યું કે ભારતને બચાવવું પડશે, દેશને બચાવવો પડશે. ભાજપ દેશને વેચવાની સોદાબાજી કરી રહી છે અને લોકશાહી ખરીદવા માટે ભાવ-તાલ કરી રહી છે.
આ પણ વાંચો- કોણ હશે PM પદનો ચહેરો? કેવી રીતે લખાઇ વિપક્ષી એકતાની સ્ક્રિપ્ટ; 26 પક્ષોની એકસાથે આવવાની શું છે સ્ટોરી