- આ સત્રમાં પચાસ ટકા જેટલા ધારાસભ્યો એવા હશે જે પ્રથમ વખત ગૃહમાં હાજરી આપશે
- આવતીકાલે 24 ફ્રેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુભાઇ દેસાઇ બજેટ રજૂ કરશે
- પ્રથમ દિવસે અનુમતિ મળેલા પ્રથમ બિલ કે જે પેપર લીક મુદ્દે છે તેની ગૃહમાં રજૂઆત કરાશે
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં પચાસ ટકા જેટલા ધારાસભ્યો એવા હશે. જે પ્રથમ વખત ગૃહમાં હાજરી આપશે. વિધાનસભાના સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલનું સંબોધન, દિવંગતોને શ્રદ્ધાંજલિ, અનુમતિ મળેલી પ્રથમ બિલ કે જે પેપર લીક મુદ્દે છે તેની ગૃહમાં રજૂઆત થશે. આવતીકાલે નાણામંત્રી કનુભાઇ દેસાઇ શુક્રવારે બજેટ રજૂ કરશે. નોંધનીય છે કે, બુધવારે નવોદિત ધારાસભ્યો માટે પ્રથમ બજેટ સત્ર શરૂ થાય પૂર્વે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. તેમાં 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
બજેટ સત્રના આજના કાર્યક્રમો
ભારતીય જનતા પાર્ટી 156 બેઠકો સાથે જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા બાદ હવે પ્રોટોકોલ અનુસાર કોંગ્રેસના ધારાસભ્યોને ચર્ચાનો સમય ખૂબ ઓછો મળશે. જેના કારણે આગામી બજેટ સત્ર સંપૂર્ણપણે નીરસ રહે તેવા અત્યારથી એંધાણ દેખાઈ રહ્યા છે. વિધાનસભાના સત્ર દરમિયાન પ્રથમ દિવસે રાજ્યપાલનું સંબોધન, દિવંગતોને શ્રદ્ધાંજલિ, અનુમતિ મળેલા પ્રથમ બિલ કે જે પેપર લીક મુદ્દે છે તેની ગૃહમાં રજૂઆત કરવામાં આવશે.
કામકાજ સમિતિ દ્વારા તૈયાર કરાયેલો અહેવાલ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. 24મી ફેબ્રુઆરીએ શુક્રવારે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. ગત વર્ષની સરખામણીએ બજેટનું કદ 20 ટકા વધુ હોવાની સંભાવના છે. ગુજરાતનું બજેટ અત્યાર સુધીના બજેટમાં સૌથી મોટા કદનું બજેટ હોવાની સંભાવના છે.
કોંગ્રેસે વિધાનસભામાં હોદ્દેદારોની વરણી કરી
કોંગ્રેસે બજેટસત્રના આગલા દિવસે એટલે શુક્રવારે વિધાનસભામાં હોદ્દેદારોની વરણી કરી છે. જેમાં દંડક, ઉપદંડક, ખજાનચી અને પ્રવક્તાની નિમણૂક કરવામાં આવી છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાને દંડક બનાવવામાં આવ્યાં છે. જ્યારે ઉપ દંડક તરીકે કિરીટ પટેલ, વિમલ ચુડાસમા, ઈમરાન ખેડાવાલાની વરણી કરવામાં આવી છે. દિનેશભાઈ ઠાકોરને કોંગ્રેસના ખજાનચી બનાવવામાં આવ્યા છે. જ્યારે ડો.તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, અનંત પટેલ અને કાંતિભાઈ ખરાડીની પ્રવક્તા તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
વિધાનસભાનું સત્રમાં વિપક્ષનાં કોઇ નેતા જ નહીં હોય
આજે શરૂ થનારા વિધાનસભાનું સત્રમાં વિપક્ષનાં કોઇ નેતા જ નહીં હોય. સરકારે કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવા માટે તૈયારી બતાવી નથી. તે ઉપરાંત સરકારે કામકાજ સમિતીની બેઠકમાં પણ કોંગ્રેસના બે સભ્યોની માંગ સામે માત્ર એક જ સભ્યને સ્થાન આપ્યું હતું. તેની સામે આમ આદમી પાર્ટીના એક પણ નેતાને આ સમિતીમાં સ્થાન આપવામાં આવ્યું નહોતુ.