ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 19 ફેબ્રુઆરીથી મળશે : 20મીએ બજેટ
- રાજ્યપાલે જાહેરનામું બહાર પાડ્યું
- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું અંદાજપત્ર રજૂ કરશે
- નાણામંત્રી કનુભાઈ દેસાઈ તા.૨૦ ફેબ્રુઆરીએ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે
ગાંધીનગર, 20 જાન્યુઆરી : ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આગામી ૧૯મી ફેબ્રુઆરીથી આરંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું અંદાજપત્ર નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ ગૃહમાં રજૂ કરશે. સપ્ટેમ્બર ૨૦૨૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ ચોથું અંદાજપત્ર કેટલીક નવી લોકરંજક યોજના સાથે રજૂ થશે, જે મોટાભાગે પૂરાંતવાળુ રહેવાની શકયતા છે.
પંદરમી વિધાનસભાનું બજેટ સત્ર ૩૧ માર્ચ સુધી ચાલશે. આ સમયગાળામાં ગૃહમાં સરકાર દ્રારા કુલ સાત વિધેયકો પર ચર્ચા અને મતદાન માટે કામકાજ હાથ ધરાનાર છે, તેમ કહીને સૂત્રોએ દાવો કર્યેા છે કે, સરકાર કેટલાક કાયદાઓ બનાવી રહી છે અને અમુકમાં સુધારા કરવામાં આવનાર છે. આ ઉપરાંત કેટલીક સંસ્થાઓની રચના માટે વૈધાનિક મંજૂરીઓ આપવા માટે પણ વિધેયકો રજૂ થશે.
હાલ સરકાર દ્રારા સાતેક જેટલા વિધેયકો માટે તૈયારી કરવામાં આવી રહી છે એમ છતાંય અંતિમ નિર્ણય માસાંતે લેવાશે. દિવાળી પછી સચિવાલયમાં નવા બજેટ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી અને હાલ તમામ વિભાગોએ સંબંધિત પક્ષકારો સાથે બેઠકો કરી પોતાના અંદાજો નાણાં વિભાગને મોકલી આપ્યા છે.
ડિસેમ્બરના અંતિમ પખવાડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિભાગોની શ્રેણીબદ્ધ બેઠકો યોજાઇ હતી. હવે દરેક વિભાગોએ મોકલેલી નવી યોજનાઓ તેમજ વર્તમાન યોજનાઓની ફાળણી માં વધારા સહિતના મુદ્દે આવકના અંદાજો ને સુસંગત રહી યોજનાકીય ફાળવણી માટે ચર્ચા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :- અમદાવાદથી સુરત માટે સુપરફાસ્ટ સહિત 10 નવી ટ્રેન શરૂ કરાઈ, રિઝર્વેશન વગર કરી શકાશે મુસાફરી