ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્ર શરુ, ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું


ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2025: ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્ર શરુ થઈ ગયું છે. રાજ્યપાલના અભિભાષણ સાથે આ બજેટ સત્રની શરુઆત થશે. આ સત્ર 12 વાગ્યાથી શરુ થશે. રાજ્યપાલના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. ગૃહમાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, કડીના ધારાસભ્ય કરસન સોલંકી સહિત સ્વર્ગસ્થ નેતાઓને શ્રદ્ધાજલિ આપવાનો કાર્યક્રમ પણ નિર્ધારિત છે.
વિધાનસભામાં બજેટ સત્રને ધ્યાને રાખી ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પોલીસ દ્વારા શહેરમાં સઘન ચેકીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પાટનગરમાં પ્રવેશ દ્વાર સહિત સત્યાગ્રહ છાવણી સહિતના મુખ્ય સર્કલો પર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને રેલી અને ધરણાં પર ચાંપતી નજર રાખવામાં આવશે.
ગુજરાત વિધાનસભામાં આ વખતે બજેટ 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી યોજાશે. ત્યારે આ વખતે પણ કોઈ અઘટિત ઘટના ન થાય તેના માટે પોલીસ સતર્ક છે. ઠેર ઠેર ચેકીંગ અને ચાંપતો બંદોબદસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેના માટે ગાંધીનગર પોલીસ તથા આજુબાજુના જિલ્લાની પોલીસ અને એસઆરપી તૈનાત કરી દીધી છે.
વિધાનસભા ગૃહમાં પણ પોલીસની ચાંપતી નજર રહેવાની છે. મંજૂરી વિના કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સત્રને લઈને શહેરમાં ઠેર ઠેર વાહનોનુ ચેકીગ થઈ રહ્યુ છે. આ સત્ર દરમ્યાન કોઈ પણ સંગઠન ધરણાં ન કરે તેના માટે સત્યાગ્રહ છાવણી સાથે શહેરના મુખ્ય સર્કલો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.