ગુજરાતટોપ ન્યૂઝબજેટ-2023

આવતા શુક્રવારે બજેટ : ભૂપેન્દ્ર પટેલ સરકારની કસોટી : નવી યોજનાઓની શક્‍યતા

પંદરમી ગુજરાત વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર આગામી તા.23 ફેબ્રુઆરીથી મળી રહ્યું છે. 24 ફેબ્રુઆરીએ વર્ષ 2023-24નું અંદાજપત્ર રાજ્‍યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. આ અગાઉ વર્ષ 2022-23નું અંદાજપત્ર પણ તેમણે રજુ કર્યું હતું. આ તેમનું બીજુ અંદાજપત્ર થશે. સળગતા પ્રશ્નો અંગે વિપક્ષ કોંગ્રેસ અને આપનો સામનો કરવામાં ભૂપેન્દ્ર પટેલ સરકારની કસોટી થઇ જશે.

Bhupendra Patel
Bhupendra Patel

વર્ષ 2023-24નું બજેટ રૂ.2.80 લાખ કરોડની આસપાસ રહેશે

વહીવટી તંત્રમાં છેલ્લા બે માસથી અલગ-અલગ વિભાગો દ્વારા પોતાના વિભાગની વિગતવાર જરૂરીયાત મુજબ નાણાકીય જોગવાઇ તૈયારી કરી નાણા વિભાગને મોકલી આપવામાં આવી હતી. જે જોગવાઇઓની નાણા વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે અને જરૂરીયાત મુજબની માંગણીઓ સ્‍વીકારવામાં આવી રહી છે. રાજ્‍ય સરકારના નાણા વિભાગ દ્વારા હવે જ્‍યારે બજેટ રજૂ કરવાનો સમય નજીક આવી રહ્યો છે ત્‍યારે આ નાણાકીય જોગવાઇઓને આખરી સ્‍વરૂપ આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વર્ષ 2023-24નું રાજ્‍યનું બજેટ અંદાજે બે લાખ એંસી હજાર કરોડની આસપાસ રહેશે તેમ જાણવા મળે છે.

આરોગ્ય, શિક્ષણ સહિતના વિભાગોમાં વધુ ધ્યાન અપાશે

વર્ષોથી આ બજેટમાં ખાસ કરીને દરેક વિભાગોની નાણાકીય જોગવાઇમાં વધારો કરવામાં આવી રહ્યો હોય છે. એમાં ખાસ કરીને આરોગ્‍ય, શિક્ષણ, આદિવાસી કલ્‍યાણ, રમત ગમત ક્ષેત્ર જેવા મહત્‍વના વિભાગોમાં ખૂબ જ ધ્‍યાન આપવામાં આવી રહ્યું છે. આ વખતના બજેટમાં નવા ચૂંટાયેલા ધારાસભ્‍યોને પોતાના વિસ્‍તારમાં પ્રજાલક્ષી કાર્યો માટે ફાળવવામાં આવતી ગ્રાન્‍ટમાં વધારો કરવામાં આવે તેવી પુરેપુરી શક્‍યતાઓ છે. આમ પંદરમી ગુજરાત વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર છે. જેમાં નવી જાહેરાતો થવાની પુરેપુરી શક્‍યતાઓ છે. આ બજેટમાં રાજ્‍યની નગરપાલિકાઓને પણ પૂરતા પ્રમાણમાં ન્‍યાય મળે તેવી તૈયારીઓ પણ રાજ્‍ય સરકાર દ્વારા કરવામાં આવી છે. કેટલીક નગરપાલિકાઓ વીજ બીલ ભરી શકી નથી તો તેની પાછળના કારણો ચકાસી તેને ન્‍યાય કેવી રીતે આપવો તેની વિચારણા કરી જોગવાઇ કરવામાં આવશે.

લોકસભા સ્પીકરના જ્ઞાનનો લાભ લીધો

આ વખતના બજેટ સત્રમાં નવા મંત્રીઓને જે વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે તેની પણ પરીક્ષા થઇ જશે. આ ઉપરાંત તા. 15 અને 16 ફેબ્રુઆરીના રોજ નવા ચુંટાયેલા સભ્‍યોને લોકસભાના સ્‍પીકર ઓમ બીરલા દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્‍યા છે. ઉપરાંત જુદા-જુદા તજજ્ઞો દ્વારા જુદા-જુદા વિષયો પર તજજ્ઞો દ્વારા પણ જરૂરી પણ પૂરતુ માર્ગદર્શન આપવામાં આવ્‍યું છે. હવે એ જોવાનું રહ્યું કે આ સભ્‍યોએ આ કાર્યશિબિરના જ્ઞાનનો કેટલો લાભ લીધો છે કે નહિ તેની ખબર આ બજેટ સત્ર દરમિયાન જોવા મળશે.

નવા ધારાસભ્‍યો પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે તેવું માર્ગદર્શન

ઉપરાંત નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્‍યો દ્વારા પોતાના વિસ્‍તારના પ્રશ્નોની રજૂઆત કેવી રીતે કરવામાં આવશે તે પણ જોવા મળશે. નવા ચુંટાયેલા તમામ સભ્‍યોને વિધાનસભામાં રજુ કરવા માટે વિધાનસભા સચિવાલય દ્વારા જે ફોર્મ આપવામાં આવે છે તે ફોર્મમાં સમજી વિચારી પોતાના વિસ્‍તારના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે તેવું માર્ગદર્શન પણ આપવામાં આવ્‍યું છે.

Back to top button