ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બજેટ LIVE: અપેક્ષાઓથી વિરુદ્ધ સામાન્ય કરદાતાઓને કોઈ રાહત આપવામાં ન આવી

Text To Speech

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી, 2024: નાણામંત્રી નિર્મલા સિતારમને આજે નરેન્દ્ર મોદી સરકારની બીજી મુદતનું છેલ્લું અને વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રીના આજના બજેટની સૌથી ધ્યાનાકર્ષક બાબત એ હતી કે તેમણે શરૂઆતથી છેવટ સુધી સર્વસમાવેશી અર્થાત ઈન્ક્લુઝિવ ગ્રોથ ઉપર સતત ભાર મૂક્યો હતો. દેશનો નોકરિયાત વર્ગ અપેક્ષા રાખતો હતો કે, આ વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર કરવેરામાં રાહત આપી શકે છે, ઈન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ નાણામંત્રીએ આવી કોઈ રાહત આપી નથી, જેનાથી મધ્યમવર્ગ હતાશ થયો છે.

વચગાળાનું બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ જણાવ્યું કે, તેમની સરકાર 2047 સુધીમાં વિકસિત ભારતનો લક્ષ્યાંક રાખે છે અને એ દિશામાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. ભ્રષ્ટાચાર અને ભાઈ-ભતીજાવાદ ઉપર કટાક્ષ કરતાં નાણામંત્રીએ કહ્યું હતું કે, તેમની સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ખેડૂત સન્માન નિધિ, મુદ્રા લોન યોજના, લખપતિ દીદી જેવી યોજનાઓ દ્વારા સમાજના તમામ વર્ગોનો સર્વગ્રાહી વિકાસ કરવાનો પ્રયાસ કર્યો છે.

નાણામંત્રીએ દાવો કર્યો કે, તેમની સરકારના શાસન દરમિયાન છેલ્લા 10 વર્ષમાં દેશમાં ઓછામાં ઓછા 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.

નિર્મલા સિતારમને કેટલીક મહત્ત્વની જાહેરાતો પણ કરી હતી. જે અનુસાર પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનો લાભ દેશની તમામ આશાવર્કર બહેનોને આપવામાં આવશે.

રેલવે અંગે વિશેષ જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું કે, 40,000 રેલવે કોચને સમયાંતરે વંદેભારત જેવા કોચમાં પરિવર્તિત કરવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું હતું કે, દેશ આર્થિક પ્રગતિ કરી રહ્યો છે તેનું એક પ્રમાણ એ પણ છે કે, વેતનધારકોના પગારમાં છેલ્લા થોડાં વર્ષમાં 50 ટકાનો વધારો છે.

આ પણ વાંચોઃ  LIVE BUDGET 2024 : બજેટના મુખ્ય મુદ્દા, જાણો યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને શું મળ્યું

આ પણ વાંચોઃ  Budget 2024 LIVE : 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા: નાણામંત્રી

Back to top button