બજેટ 2025-26: મુસાફરોની સગવડતા માટે નવી 200 એસી અને 400 મીડી બસોની જોગવાઈ


- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૪૨૮૩ કરોડની જોગવાઇ
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી : નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, અમારી સરકાર લોકોને ઝડપી, સુરક્ષિત, પર્યાવરણને અનુકૂળ તેમજ સુવિધાયુક્ત વાહનવ્યવહાર સેવા પૂરી પાડવા સતત કાર્યરત છે. જે માટે આધુનિક ટેકનોલોજી ધરાવતી ૧૪૫૦ ડીલક્ષ અને ૪૦૦ મીડી બસ એમ કુલ ૧૮૫૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવા માટે ₹૭૬૬ કરોડની જોગવાઇ કરીએ છીએ.
આ ઉપરાંત મુસાફરોની સગવડતાને ધ્યાને લઇ ૨૦૦ નવી પ્રીમિયમ AC બસો અને ૧૦ કારવાન સંચાલનમાં મૂકવામાં આવશે. આ બસો થકી ૨૫ પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળવા ₹૩૬૦ કરોડની જોગવાઇ. નવીન ડેપો-વર્કશોપ અને બસ સ્ટેશનના આધુનિકીકરણ માટે ₹૨૯૧ કરોડની જોગવાઇ. સુરત ખાતે બની રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેકટ માટે કુલ ₹૧૮૫ કરોડની જોગવાઇ.
મુસાફરોની સલામતીને સુનિશ્ચિત કરવા એક્સપ્રેસ બસોમાં સંભવિત આકસ્મિક ઘટના પહેલા ડ્રાઇવરોને રીયલ ટાઇમ ઓડીયો-વિઝયુઅલ એલર્ટ આપવા પ્રથમ તબક્કામાં Advanced Driver Assistance System & Driver Monitoring System માટે ₹૧૩ કરોડની જોગવાઇ. નિગમ ખાતે ડ્રાઈવર – કંડકટર – મિકેનિક તથા ક્લાર્કની કક્ષામાં કુલ મળી ૧૧ હજારથી વધુ ઉમેદવારોની ભરતી પ્રગતિમાં છે.
આ ઉપરાંત ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા આશરે ૫૯૮ મિલિયન મેટ્રિક ટન છે. તેને ૨૦૪૭ સુધીમાં ૨૦૦૦ મિલિયન મેટ્રિક ટનથી વધુ કરવાનું આયોજન છે.
નવલખી અને મગદલ્લા બંદરોના વિકાસ માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ. રાજ્યમાં પોર્ટ સિટીનો વિકાસ કરવાનું પણ આયોજન છે. આ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૭૬૬૮ કરોડની જોગવાઇ
GYANના ચાર આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા, આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક ₹૧૨૫૦ની સહાય માટે ₹૩૦૧૫ કરોડની જોગવાઇ.
આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનના માનદવેતન માટે ₹૧૨૪૧ કરોડની જોગવાઇ.
પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાઓના ૧૦૬ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસીડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે. જેના માટે ₹૯૦ કરોડની જોગવાઇ.
પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ₹૯૭૩ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો દાળ અને એક લિટર ખાદ્યતેલ આપવા માટે ₹૩૭૨ કરોડની જોગવાઇ.
પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણનાં પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનનાં પ્રમાણમાં સુધારો થાય તે હેતુથી પૂર્ણા શક્તિના પેકેટ આપવા માટે ₹૩૩૫ કરોડની જોગવાઇ.
વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ₹૨૧૭ કરોડની જોગવાઇ.
દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફોર્ટીફાઇડ દૂધ આપવા માટે ₹૧૩૩ કરોડની જોગવાઇ.
વિશેષ સહાય યોજના અંતર્ગત વર્કિંગ વુમન હોસ્ટેલના બાંધકામ માટે ₹૬૯ કરોડની જોગવાઇ.