બજેટ 2024: ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેના ખર્ચમાં 11 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ
- 2024-25ના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવણી વધીને રેકોર્ડ રૂ. 11.11 લાખ કરોડ થઈ
- પાછલા વર્ષની સરખામણીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરની ફાળવણીમાં 11%નો વધારો
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: આજે સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ 2024-25 રજૂ કરવામાં આવ્યું છે. બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેના ખર્ચમાં 11 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે વધીને રૂ.11,11,111 કરોડ થશે. આ જીડીપીના 3.4 ટકા હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફાળવણીમાં આ વધારો આર્થિક વૃદ્ધિ અને રોજગાર નિર્માણ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની વિશાળ ગુણાકારની અસરને પ્રતિબિંબિત કરે છે.
નિર્મલા સીતારામણે પ્રસ્તાવ રજુ કર્યો હતો કે, પ્રધાનમંત્રી ગતિ શક્તિ હેઠળ ઓળખ કરાયેલા ત્રણ મોટા આર્થિક કોરિડોર કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવશે. નીચે દર્શવાવેલ ત્રણ આર્થિક કોરિડોર:
- ઊર્જા, ખનીજ અને સિમેન્ટ કોરિડોર,
- પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર અને
- હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર.
આ પ્રોજેક્ટ્સ મલ્ટિ મોડલ કનેક્ટિવિટીને સક્ષમ બનાવવાની સાથે સાથે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં પણ સુધારો કરશે અને ખર્ચમાં ઘટાડો કરશે. તેમણે જણાવ્યું હતું કે 40,000 સામાન્ય રેલવે બોગીઓને વંદે ભારત ધોરણમાં રૂપાંતરિત કરવાનો પ્રસ્તાવ છે, જેથી મુસાફરોની સલામતી અને સુવિધામાં વધારો થાય.
નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈને 149 થઈ ગઈ છે. ઉડાન યોજના દ્વારા વધુ સંખ્યામાં શહેરોને એરમેપ હેઠળ લાવવામાં આવે છે. આના પરિણામે ભારતીય કેરિયર્સે 1000 થી વધુ નવા વિમાનો માટે ઓર્ડર આપ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલના હવાઈમથકોના વિસ્તરણ અને નવા વિમાનમથકોના વિકાસને વેગ આપવામાં આવશે.નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, મેટ્રો રેલ અને નમો ભારત ટ્રેન સિસ્ટમથી મોટાં શહેરોનાં વિસ્તરણ, ખાસ કરીને પરિવહનલક્ષી વિકાસને ટેકો મળશે.
આ પણ વાંચો: IT રિટર્નનો પ્રોસેસ સમય 93 દિવસ હતો જે ઘટીને હવે 10 દિવસનો થયો છેઃ કેન્દ્રીય નાણામંત્રી