BSNLએ Elon Muskનું વધાર્યું ટેન્શન, Starlink પહેલા આ સર્વિસ કરી લોન્ચ
- આ સર્વિસને કારણે યુઝર્સ હવે મોબાઈલ નેટવર્ક અને સિમ કાર્ડ વગર પણ કોલ કરી શકશે
નવી દિલ્હી, 14 નવેમ્બર: TRAI ભારતમાં સેટેલાઇટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરે સ્પેક્ટ્રમ ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવાની સમયમર્યાદા નક્કી કરી છે. આવતા મહિને 15મી ડિસેમ્બર સુધીમાં સેટેલાઇટ કોમ્યુનિકેશનના સ્પેક્ટ્રમ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જેનાથી ઈલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંકનો ભારતમાં પ્રવેશવાનો માર્ગ પણ સાફ થઈ જશે. જો કે આ પહેલા જ સરકારી ટેલિકોમ કંપની BSNLએ Elon Musk સહિત Jio, Airtel અને Amazonનું ટેન્શન વધાર્યું છે, કારણ કે BSNLએ ભારતની પ્રથમ સેટેલાઇટ-ટુ-ડિવાઈસ સર્વિસ લોન્ચ કરી દીધી છે. જેનાથી યુઝર્સ હવે મોબાઈલ નેટવર્ક અને સિમ કાર્ડ વગર પણ કોલ કરી શકશે. આ માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) દ્વારા આપવામાં આવી છે.
BSNL launches India’s 1st Satellite-to-Device service!
Seamless connectivity now reaches India’s remotest corners. pic.twitter.com/diNKjaivFo
— DoT India (@DoT_India) November 13, 2024
માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગે આપી માહિતી
DoTએ તેના સત્તાવાર X હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરીને આ માહિતી આપી છે. સેટેલાઇટ-ટુ-ડિવાઈસ સર્વિસ લોન્ચ થયા પછી, યુઝર્સ સિમ કાર્ડ અને મોબાઇલ નેટવર્ક વગર પણ કૉલિંગ અને ડેટાનો લાભ મેળવી શકે છે. દૂરસંચાર વિભાગે તેમની પોસ્ટમાં કહ્યું કે, BSNLએ આ માટે અમેરિકન સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની Viasat સાથે ભાગીદારી કરી છે.
તાજેતરમાં, કંપનીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024માં તેની સેટેલાઈટ-ટુ-ડિવાઈસ સર્વિસનો ડેમો આપ્યો હતો, જેમાં કંપનીએ 36,000 કિમી પર સ્થિત Viasatના L બેન્ડ સેટેલાઈટનો ઉપયોગ કરતાં વીડિયો કૉલિંગ કરીને બતાવ્યું હતું. સેટેલાઇટ-ટુ-ડિવાઈસ સર્વિસ ખાસ કરીને યુઝર્સ માટે ફાયદાકારક સાબિત થશે. જ્યાં મોબાઈલ નેટવર્ક નથી ત્યાંથી પણ યુઝર્સ કોલ કરી શકશે. આ સેવા ખાસ કરીને ઇમરજન્સીના સમયે સંપર્કમાં રહેવા માટે લાવવામાં આવી છે.
ઇલોન મસ્કનું ટેન્શન વધી ગયું
ઇલોન મસ્કે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે છેલ્લા બે વર્ષથી અરજી કરી છે. મસ્ક હાલમાં વિશ્વના ઘણા દેશોમાં તેમની Starlink સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પૂરી પાડી રહી છે. ભારતમાં નિયમનકારી મંજૂરીના અભાવને કારણે, મસ્ક આ સેવા શરૂ કરી શક્યા નથી. ટેલિકોમ રેગ્યુલેટર દ્વારા સ્પેક્ટ્રમ ફાળવણી પૂર્ણ થયા પછી, ઇલોન મસ્કની Starlink સહિત Jio, Airtel, Amazon વગેરેની સેટેલાઇટ આધારિત સંચાર સેવાઓ શરૂ થઈ શકશે. BSNL દ્વારા સેટેલાઇટ-ટુ-ડિવાઈસ સેવાની શરૂઆત આ કંપનીઓ માટે મોટો પડકાર બની શકે છે.
આ પણ જૂઓ: Just Corsecaએ લોન્ચ કરી ચાર નવી પ્રોડક્ટ્સ: સાઉન્ડબાર, પાવર બેંક અને સ્માર્ટ વોચના દિવાના થયા યુઝર્સ