નડિયાદ તાલુકાના વનીપુરા ગામના યુવાને બાજુના ગામ સુર્યનગરમાં રહેતા BSF જવાનની પુત્રીનો વીડિયો બનાવી વાયરલ કરતાં BSF જવાન અને તેમના પરિવારજનો ઠપકો આપવા માટે ગયા હતા. દરમિયાન મામલો બિચકતાં યુવાનના કૌટુંબિક 7 વ્યક્તિઓએ ઠપકો આપવા આવેલા BSF જવાન અને તેમના પરિવારજનો પર ઘાતક હથિયારો વડે હુમલો કરતા જવાનનું મોત થયુ છે.
આ પણ વાંચો: સુરત: કારીગરે રૂપિયાની લેતી-દેતીમાં 3 માલિકોની હત્યા કરી, જુઓ વીડિયો
જાણો શું હતો સમગ્ર મામલો:
નડિયાદ તાલુકાના ચકલાસીના સૂર્યનગરમાં રહેતા મેલજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા પોતે BSF 56 મહેસાણા ખાતે ફરજ બજાવતા હતા. તેમની ગામની બાજુમાં આવેલ વનીપુરા ગામના શૈલેષ ઉર્ફે સુનિલ દિનેશભાઇ જાદવે થોડા દિવસ અગાઉ મેલજીભાઈની દિકરીનો વીડિયો બનાવી વીડિયો વાયરલ કર્યો હતો. જે બાબતે મેલજીભાઈ તેમની પત્ની, તેમનો દીકરો નવદીપ અને હનુમંતા તેમજ મેલજીભાઈનો ભત્રીજો ચિરાગ વાઘેલા, આ તમામ લોકો ગત શનિવારની રાત્રે ઠપકો આપવા શૈલેષ ઉર્ફે સુનિલના ઘરે વનીપુરા ખાતે ગયા હતા.
ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા
ત્યારે લાકડી, ધારીયા, પાવડા લઈને BSF જવાન અને તેમના દિકરા પર તૂટી પડતાં BSF જવાનનુ મોત નિપજ્યું હતુ. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બાદ હુમલાખોરો ખેતરાળુ રસ્તે થઈ પલાયન થઈ ગયા હતા. જોકે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ થયેલા BSF જવાન મેલજીભાઈને તથા તેમના દિકરાને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જવાન મેલજીભાઈનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે નવદીપને વધારે ઇજા થઈ હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભાજપની જીતનો શ્રેય પેજ કમિટી બનાવનાર સી.આર.પાટિલને: અમિત શાહ
જવાનના પત્ની મંજુલાબેને ચકલાસી પોલીસમાં ફરિયાદ કરી
આ ઘટનાને લઈને મૃતક જવાનના પત્ની મંજુલાબેને ચકલાસી પોલીસમાં મોતને ઘાટ ઉતારનાર દિનેશભાઈ જાદવ, કાકા અરવિંદભાઈ જાદવ, દાદા છબાભાઈ જાદવ, સચિન અરવિંદભાઈ જાદવ, ભાવેશ ચીમનભાઈ જાદવ, કૈલાશબેન અરવિંદભાઈ જાદવ અને શાંતાબેન ચીમનભાઈ જાદવ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 302, 307, 323, 504, 143, 147, 149 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.