જમ્મુઃ અમરનાથ ગુફાની યાત્રા પહેલા ફરી દેખાયું ડ્રોન, 30 જૂનથી શરૂ થશે યાત્રા
જમ્મુમાં ફરી ડ્રોન દેખાયું. અખનૂર સેક્ટરમાં એક શંકાસ્પદ ડ્રોન જોયા બાદ BSFએ બે રાઉન્ડ ફયરિંગ કર્યું હતું. શંકાસ્પદ ડ્રોન લગભગ 800 મીટર હવામાં ઉડી રહ્યું હતું. BSFના ગોળીબાર બાદ ડ્રોન પરત ફર્યું હતું. આ પહેલા પણ કઠુઆ જિલ્લામાં BSFએ એક ડ્રોન તોડી પાડ્યું હતું. જેમાં બોમ્બ જેવું કંઈક મળ્યું હતું. ત્યાંના સ્થાનિક લોકોએ ડ્રોનને જોયું અને પોલીસને જાણ કરી ત્યારબાદ તેને તોડી પાડવામાં આવ્યું.
કઠુઆ જિલ્લામાં મળેલા ડ્રોનને BSF દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ અખનૂર સેક્ટરમાં માત્ર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ડ્રોન પરત ફર્યું હતું. તમને જણાવી દઈએ કે સરહદ પારથી વારંવાર ડ્રોન આવવાની ઘટનાઓ સામે આવી રહી છે.
આ વસ્તુઓ ડ્રોન સાથે મળી આવી
કઠુઆના એસએસપી આરસી કોટવાલે જણાવ્યું કે ડ્રોન વિશે માહિતી મળ્યા બાદ રાજબાગ પીએસની ટીમ તેની શોધમાં હતી અને ત્યારબાદ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. 7 મેગ્નેટિક પ્રકારના બોમ્બ IED અને 7 UBGL (અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર) મળી આવ્યા હતા. આ હેક્સાકોપ્ટર સાથે જોડાયેલા મળી આવ્યા હતા. બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી.
સરહદ પારથી વારંવાર આવી રહ્યા છે ડ્રોન
પોલીસ અધિકારીએ કહ્યું કે સરહદ પારથી વારંવાર ડ્રોનની હિલચાલને કારણે પોલીસની સર્ચ ટીમો નિયમિતપણે તે વિસ્તારમાં મોકલવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ ઘટના દક્ષિણ કાશ્મીર હિમાલયમાં પવિત્ર અમરનાથ ગુફાની વાર્ષિક તીર્થયાત્રાની શરૂઆત પહેલા બની છે. આ મુલાકાત પહેલા સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. અહીં 30 જૂનથી 43 દિવસની અમરનાથ યાત્રા બે રૂટ સાથે શરૂ થવા જઈ રહી છે.