સુરતના સરથાણામાં BRTS બસમાં આગ લાગતા અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં
સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ અને પ્રાણી સંગ્રહાલય પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટોપમાં બસમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. બસ સ્ટોપ પર એકાએક બસમાં આગ લાગતા શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક આ ઘટના અંગે ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયરવિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
સુરત :સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ
બસ સ્ટોપ પર ઉભી બસમાં લાગી આગ
આગ લાગવાની સાથે જ અફરાતફરીનો માહોલ
ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ લીધી કાબુમાં
આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી#Surat #BRTS #BusFire @MySuratMySMC #humdekhengenews #HumDekhenge #gujaratinews pic.twitter.com/q0qWQktNPH— Hum Dekhenge News (@humdekhengenews) July 21, 2022
અચાનક જ બસમાં આગ લાગી
સુરતના સરથાણા વિસ્તારમાં સવારે શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે. આજે સવારે પણ શાળા અને કોલેજ જવાના સમય દરમિયાન જ બીઆરટીએસ બસમાં બસસ્ટોપ પર જ આગની ઘટના બનતા ડરનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ બસમાં બેઠા હતા. પરંતુ ધુમાડો નીકળતાની સાથે જ સમયસૂચકતા રાખી નીચે ઉતરી ગયા હતા. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી હતી.
આગ લાગવાનું કારણ અકબંધ
બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર ઉભેલી બસમાં એકાએક આગ લાગતાની સાથે જ કોઈ સમજે તે પહેલા તો આગે સમગ્ર બસને લપેટમાં લઈ લીધી હતી. સવારના સમયે ખૂબ મોટી સંખ્યામાં અવરજવર કરનારા લોકો પણ બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે. આ બાબતે ફાયર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનામાં કોઈ પણ ઈજા કે જાનહાનિ થઈ નથી.