બીઆરએસ નેતા કે. કવિતાને વધુ એક ઝટકો, કોર્ટે જામીન ન આપ્યા
દિલ્હી, 6 મે: દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં BRS નેતા કે. કવિતાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં BRS નેતા કે. કવિતાને સોમવારે (6 મે) જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. કે. કવિતા હાલમાં કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
15 માર્ચે થઈ હતી ધરપકડ
ED દ્વારા 15 માર્ચે હૈદરાબાદના બંજારા હિલ્સ સ્થિત તેમના નિવાસસ્થાનેથી કે. કવિતાની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, 11 એપ્રિલે સીબીઆઈ દ્વારા તેમની તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કવિતાના પિતા અને તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે એક્સાઇઝ પોલિસી કેસમાં તેમની પુત્રી પરના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.
દિલ્હી દારૂની નીતિમાં તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતા સિવાય EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની સાથે-સાથે અનેક દારૂના ધંધાર્થીઓ અને અન્યોની પણ ધરપકડ કરવામાં આવી છે.
કેજરીવાલની 21 માર્ચે કરવામાં આવી હતી ધરપકડ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા દારૂ નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 9 એપ્રિલના રોજ દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની જેલમાંથી મુક્તિ માટેની અરજીને ફગાવી દીધી હતી અને લોકસભાની ચૂંટણીઓ વચ્ચે રાજકીય વેરની તેમની દલીલને નકારી કાઢી હતી.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે શુક્રવારે કહ્યું હતું કે તે લોકસભા ચૂંટણીને કારણે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર 7 મેના રોજ સુનાવણી કરવા પર વિચાર કરી શકે છે.
આ પણ વાંચો: ઝારખંડમાં EDને મળ્યો નોટોનો પહાડ! મંત્રી આલમગીર સાથે કનેક્શન