- સુરતના હીરા દલાલે આપેલા 15 લાખના હીરા લઈ વેપારી ફરાર
- ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી જતા ફરિયાદ નોંધાઈ
ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરત અને મુંબઈમાં હીરાનો વેપાર કરતા મૂળ ભાવનગરના વૃદ્ધ વેપારી સાથે વરાછાના દલાલે છેતરપીંડિ આચરી હોવાનું સામે આવ્યું છે. જેમાં વેપારી પાસેથી સારો ભાવ અને પેમેન્ટ બીજા કરતા વહેલા અપાવવાનું કહી રૂ.15 લાખના હીરા લઈ વૃદ્ધ દલાલે જેને આપ્યા હતા. તે વેપારી હીરા લઈ ફરાર થઈ જતા વરાછા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : નવસારીમાં મેઘતાંડવથી ઘૂંટણસમા પાણી ભરાયા,લોકો સ્થળાંતર કરવા મજબૂર
સારો ભાવ અને પેમેન્ટ બીજા કરતા વહેલા અપાવવાનું કહી હીરા લઈ ફરાર
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના તળાજાના દાઠા ગામના વતની અને મુંબઈ બોરીવલી દેવીદાસ લેન રાજમધુર ખાતે રહેતા 61 વર્ષીય વિઠ્ઠલભાઈ પાંચાભાઈ સેતા સુરત અને મુંબઈમાં હીરાનો વેપાર કરે છે.સુરતમાં તેમની ઓફિસ ચામુંડા ઈમપેક્ષના નામે વરાછા રાજહંસ પોઈન્ટ પાસે માધવ ચેમ્બર્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી છે.ત્રણ વર્ષથી તેમના પરિચિત હીરા દલાલ વિઠ્ઠલભાઈ બાલુભાઈ દેવાણી ( ઉ.વ.63, રહે.ઈ-1/103, મેઘમલ્હાર રેસિડન્સી, હરેકૃષ્ણ ફેક્ટરી પાસે, સરથાણા જકાતનાકા, સુરત ) ગત 28 ઓક્ટોબર 2022ના રોજ તેમની ઓફિસે આવી સારો ભાવ અને પેમેન્ટ બીજા કરતા વહેલા અપાવવાનું કહી રૂ.15,00,750 ના 57.50 કેરેટ હીરા વેચવા જાંગડ પર લઈ ગયા હતા.
હીરા મળતા જ ફોન બંધ કરી ભાગી ગયો
ત્રણેક દિવસ બાદ હીરા અંગે વેપારી વિઠ્ઠલભાઇએ દલાલને પૂછતાં તેમણે હીરા વેપારી મીનીબજારમાં ખુરશી નાંખી બેસતા વેપારી રમેશભાઈ કમોડાને આપ્યા છે અને તે વિશ્વાસુ છે ચિંતા નહીં કરવા જણાવ્યું હતું.જોકે,અઠવાડિયા બાદ પણ હીરા અંગે દલાલ વિઠ્ઠલભાઈ બરાબર જવાબ ન આપતા હોવાથી વેપારી વિઠ્ઠલભાઈએ તપાસ કરી હતી. જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વેપારી રમેશભાઈ હીરાનું પડીકું દલાલ વિઠ્ઠલભાઈએ આપ્યું તેના બીજા દિવસથી જ ફોન બંધ કરી ભાગી ગયો છે. ત્યારબાદ આજદિન સુધી દલાલ વિઠ્ઠલભાઈ અને વેપારી રમેશભાઈએ હીરા કે તેનું પેમેન્ટ નહીં આપતા છેતરપીંડિ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી આખરે આ મામલે વેપારી વિઠ્ઠલભાઈ દ્વારા વરાછા પોલીસ મથકમાં ઠગ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. જેને આધારે હાલ પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : ગુજરાત: ચેક રિટર્ન કેસમાં વ્યક્તિને એક વર્ષની કેદની સજા થઇ