સામાન્ય રીતે રેલવે દ્વારા મુસાફરી દરમિયાન કે અન્ય કોઈ પણ સ્થળે પબ્લિક વોશરૂમના ઉપયોગ બાદ 5-10 રૂપિયા ચાર્જ ચુકવવો પડતો હોય છે. પરંતુ આગ્રાના કેન્ટ રેલવે સ્ટેશન ખાતે 2 બ્રિટિશ નાગરિકો પાસેથી વોશરૂમના ઉપયોગ બાદ 112-112 રૂપિયા માગવામાં આવતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
દિલ્હીથી ગતિમાન એક્સપ્રેસ ટ્રેન દ્વારા આગ્રા ફરવા માટે પહોંચેલા 2 બ્રિટિશ નાગરિકોને સ્ટેશન પર આઈસી શ્રીવાસ્તવ નામના ગાઈડે રીસિવ કર્યા હતા. ત્યાર બાદ બંને પ્રવાસીઓને વોશરૂમ જવું હોવાથી શ્રીવાસ્તવ તેમને પ્લેટફોર્મ નંબર-1 પર રહેલી એક્ઝિક્યુટિવ લાઉન્જમાં લઈ ગયા હતા.
આશરે પાંચેક મિનિટમાં બંને પ્રવાસીઓ બહાર આવ્યા એટલે ત્યાં બહાર બેઠેલા કર્મચારીએ પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા પ્લસ 12 રૂપિયા જીએસટી એમ કુલ 112 રૂપિયાની માંગણી કરી હતી. શ્રીવાસ્તવે આ પ્રકારની રકમની માગણી સામે વિરોધ દર્શાવ્યો હતો પરંતુ કર્મચારીએ તે ચાર્જ વસૂલવા અડગતા દર્શાવી હતી.
બાદમાં ગાઈડ શ્રીવાસ્તવે પોતાના તરફથી 224 રૂપિયાની ચુકવણી કરી હતી અને રેલવે દ્વારા આ પ્રકારના નિયમોના કારણે આગ્રાની ખોટી છબિ બનતી હોવાની ફરિયાદ કરી હતી. શ્રીવાસ્તવે પર્યટન વિભાગને પણ આ મામલે ફરિયાદ કરી છે.
બીજી બાજુ IRCTCના સ્થાનિક પ્રતિનિધિ બ્રજેશ કુમારના કહેવા પ્રમાણે એક્ઝિક્યુટિવ લાઉન્જમાં 2 કલાક વિતાવવાનો ચાર્જ વ્યક્તિદીઠ 200 રૂપિયાનો છે. તેમના મતે પ્રવાસીઓએ ત્યાં થોડો સમય વિતાવ્યો હશે માટે તેમણે 50 ટકાના ડિસ્કાઉન્ટ સાથે મિનિમમ ચાર્જ ચુકવવો પડ્યો હશે.
IRCTCના નિયમ પ્રમાણે એક્ઝિક્યુટિવ લાઉન્જનો ચાર્જ ચુકવ્યા બાદ જે-તે વ્યક્તિને ગ્રાઉન્ડમાં કોમ્પ્લીમેન્ટ્રી કોફી આપવામાં આવે છે. તે વ્યક્તિ વોશરૂમનો ઉપયોગ કરી શકે છે. ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરી શકે છે. સાથે જ 2 કલાક સુધી એક્ઝિક્યુટિવ લાઉન્જમાં રોકાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સર્વિસ ચાર્જ સાથે સંકળાયેલી આ પ્રકારની ઘટના સામે આવેલી છે. થોડા સમય પહેલા ભોપાલ શતાબ્દી ટ્રેનમાં એક વ્યક્તિ પાસેથી 20 રૂપિયાની ચાના કપના સર્વિસ ચાર્જ સાથે 70 રૂપિયા લેવામાં આવ્યા હતા.