ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું: બોરિસ જોન્સન

Text To Speech

યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સન 21 એપ્રિલથી ભારતના પ્રવાસે છે. ભારત પ્રવાસની શરૂઆત બોરિસ જોન્સને ગુજરાતથી કરી છે. ગુજરાતની મુલાકાતે આવેલા યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સને અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમની સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. શ્રી બોરિસ જોન્સન હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા.

તસવીર સૌજન્યઃ ANI

બાપુને નમન કરી બોરિસ જોનસને રેંટિયો કાંત્યો
બ્રિટિશ પીએમ ગાંધી આશ્રમ પહોંચ્યા, મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરાયું. બોરિસ જોનસને ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને રેંટીયો કાંત્યો. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી 15 મિનિટનો રોડ શો યોજાયો હતો.

તસવીર સૌજન્યઃ ANI

ગાંધીજીને અર્પી પુષ્પાંજલિ
હૃદયકુંજના વિવિધ ખંડો નિહાળી બોરિસ જોનસને ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાંતણ કર્યું હતું અને ગાંધી આશ્રમ ખાતે આવેલી અમદાવાદ ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સને ઐતિહાસિક ગાંધી આશ્રમમાં આવેલી મીરા કુટીરની પણ મુલાકાત લીધી હતી. બ્રિટિશ લેડી મેડલીન સ્લેડ જેઓ બ્રિટિશ નાગરિક હતા. તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને ગાંધી આશ્રમ આવ્યા હતા અને તેઓ જે કુટિરમાં રહેતા હતા એ કુટીરનું નામ મીરા કુટીર રાખવમાં આવ્યું છે.

‘મારી ગાંધી આશ્રમની મુલાકાત અવર્ણનીય’
વિઝિટર્સ બુકમાં પોતાનો ભાવ વ્યક્ત કરતા યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સને લખ્યું કે, ‘મારી ગાંધી આશ્રમની મુલાકાત અવર્ણનીય છે. અને ગાંધી આશ્રમમાં આવવાનો મારો અનુભવ પણ ખૂબ જ સારો રહ્યો. સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી તેનું ઉદાહરણ સમગ્ર વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું છે…’આ અવસરે ગાંધી આશ્રમ તરફથી ‘ગાઈડ ટુ લંડન’ અને ‘ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન’ એમ બે પુસ્તકો જોન્સનને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી યોજાયો રોડ શો
આ અગાઉ યુકેના PMના સ્વાગત માટે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પર સ્વાગત માટેનાં સ્ટેજ તૈયાર કરાયાં હતાં. ઉપરાંત સમગ્ર રૂટ પર વેલકમ ગુજરાતના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે. ગુજસેલ બહારથી ગાંધી આશ્રમ સુધી લોકો સ્વાગત માટે એક હાથમાં ભારત અને બીજા હાથમાં યુકેનો ધ્વજ લઈને પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર બોરિસ જોનસનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. આ સમયે મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના નેતાઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button