બ્રિટનમાં નાણામંત્રીને બજેટ ભાષણ દરમિયાન દારૂ પીવાની મંજૂરી, જાણો કારણ?

બ્રિટિશ સંસદ તેના કડક નિયમો અને પરંપરાઓ માટે જાણીતી છે. સામાન્ય રીતે સભ્યોને સંસદની અંદર ખાવા-પીવાની મનાઈ હોય છે, પાણી પણ નહીં. જોકે, દર વર્ષે બજેટ રજૂ કરવાના દિવસે, એક ખાસ નિયમ લાગુ પડે છે, જેના દ્વારા બ્રિટિશ નાણામંત્રી સંસદમાં પીણાં લાવી શકે છે. આશ્ચર્યજનક રીતે, આ પીણાંમાં દારૂનો સમાવેશ થઈ શકે છે.
સેંકડો વર્ષો જૂની પરંપરા
બ્રિટિશ નાણામંત્રી, જેમને ચાન્સેલર ઓફ ધ એક્સચેકર તરીકે ઓળખવામાં આવે છે, તેઓ તેમના બજેટ ભાષણ દરમિયાન વ્હિસ્કી, બ્રાન્ડી અથવા જિન જેવા પીણા પોતાની જોડે રાખી શકે છે. આ પરંપરા સેંકડો વર્ષો જૂની છે. પહેલાના સમયમાં, બજેટ ભાષણો ખૂબ લાંબા હતા અને તેમાં માઇક્રોફોન જેવી સુવિધા નહોતી. પરિણામે, નાણામંત્રીને કલાકો સુધી મોટેથી બોલવું પડતું હતું, જેના કારણે તેમનું ગળું સુકાઈ જતું હતું. તે દિવસોમાં, પાણી કરતાં દારૂ વધુ સારુ માનવામાં આવતુ હતુ, કારણ કે તેનાથી ગળું સાફ રહેતુ હતુ.
હવે શું બદલાયું છે?
આ કારણોસર, સંસદે બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીને પીણું પીવાની ખાસ પરવાનગી આપી. ધીમે ધીમે, આ એક પરંપરા બની ગઈ. ઐતિહાસિક રીતે, ઘણા નાણામંત્રીઓ તેમના બજેટ ભાષણ દરમિયાન દારૂ પીતા જોવા મળ્યા છે. કેટલાક વ્હિસ્કી પસંદ કરતા હોય છે, તો કેટલાક બ્રાન્ડી અથવા જિન. જોકે, સમય જતાં આ પરંપરા બદલાઈ ગઈ છે. હવે, મોટાભાગના નાણામંત્રીઓ દારૂ કરતાં પાણી પસંદ કરે છે. ખાસ કરીને, છેલ્લા કેટલાક વર્ષોમાં, જાહેર છબી અને સ્વાસ્થ્ય અંગેની ચિંતાઓને કારણે, બજેટ ભાષણ દરમિયાન દારૂનું સેવન લગભગ અદૃશ્ય થઈ ગયું છે.
આ પણ વાંચો: મેક્સિકોમાં ફુટબોલ મેદાનમાં બંદૂકધારીએ અંધાધુંધ ગોળીબાર કરી 11 લોકોને મારી નાખ્યા











