નવા વર્ષમાં ઘરમાં લાવો આ વસ્તુઓ, નહીં રહે પૈસાની કમી
- જો તમારા ઘર પર માતા લક્ષ્મીની કૃપા હશે તો તમારુ ઘર ધન-વૈભવથી ભરાઈ જશે. નવા વર્ષ દરમિયાન તમે એવી વસ્તુઓની ખરીદી કરી લો કે જેના કારણે મા લક્ષ્મી પ્રસન્ન રહે.
નવા વર્ષની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોતી હોય છે. નવા વર્ષમાં લોકો ઘરમાં નવી વસ્તુઓ લાવવાનું પસંદ કરતા હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું નવુ વર્ષ સારુ જાય. ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે. આ બધું ત્યારે જ શક્ય બને છે જ્યારે તમારી પર મા લક્ષ્મીની કૃપા હોય. જો તમારા ઘર પર માતા લક્ષ્મીની કૃપા હશે તો તમારુ ઘર ધન-વૈભવથી ભરાઈ જશે. નવા વર્ષ દરમિયાન તમે એવી વસ્તુઓની ખરીદી કરી લો કે જેના કારણે મા લક્ષ્મી પ્રસન્ન રહે.
શ્રીફળ
નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. તેનો અર્થ છે મા લક્ષ્મીનું ફળ. નવા વર્ષમાં નારિયેળ ખરીદો અને ઘરમાં પૂજા કર્યા બાદ તેને ઘરની તિજોરીમાં બંધ કરી દો. તેનાથી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર પરિવર્તન આવશે અને સમૃદ્ધિ પણ આવશે. નારિયેળને તિજોરીમાં રાખતી વખતે ‘ઐં હ્રીં શ્રીં ક્લીં’ મંત્રનો જાપ કરો. આમ કરવાથી આખું વર્ષ ઘરમાં દેવી લક્ષ્મીજીનો વાસ રહેશે, જેનાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
મોર પંખ
મોર પંખ એટલે કે મોરનું પીંછુ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. નવા વર્ષે મોરના પીંછા ચોક્કસથી ખરીદો અને ઘરે લાવો. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણને મોરના પીંછા ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મોરપીંછ હોય છે તે ઘરની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે, તેથી આખા વર્ષ દરમિયાન તમને પૈસાની કમી ન લાગે તે માટે તમારી ખરીદીમાં મોર પીંછને અવશ્ય સામેલ કરો.
તુલસીનો છોડ
લગભગ દરેકના ઘરમાં તુલસીનો છોડ હોય છે, જો કોઈ કારણસર તે ન હોય તો નવા વર્ષમાં તુલસીનો છોડ અવશ્ય ખરીદો. તુલસીના છોડને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં લીલોછમ તુલસીનો છોડ હોય છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. નવા વર્ષને ખુશખુશાલ રાખવા માટે ઘરમાં તુલસીનો છોડ વાવો.
શંખ
હિંદુ ધર્મમાં શંખનું ઘણું મહત્વ છે. ઘરમાં શંખ રાખવો એ શુભતાનું પ્રતિક છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય છે, ત્યાં દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે. તેથી નવા વર્ષમાં ઘર માટે શંખ ચોક્કસ ખરીદો અને તેને ઘરના મંદિરમાં રાખો. જેના કારણે આખું વર્ષ ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહેશે.
આ પણ વાંચોઃ ડિનર બાદ ગળ્યું ખાવાની ટેવ બનાવી શકે છે શુગરના દર્દીઃ એક્સપર્ટ શું કહે છે?