સાક્ષી મલ્લિકની નિવૃત્તિ બાદ બ્રિજભૂષણ સિંહનું નિવેદન, જાણો શું કહ્યું ?
- ભારતીય કુસ્તી સંઘના નવા પ્રમુખ ચૂંટાતાં ફરી ચાલુ થયો વિરોધ.
- નવા પ્રમુખ ચૂંટાયા બાદ સાક્ષી મલ્લિકે લીધી નિવૃત્તિ, તો બજરંગ પુનિયાએ પોતાનો પદ્મ પુરસ્કાર પરત કર્યો.
નવી દિલ્હી, 23 ડિસેમ્બર: ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણ સિંહના સહયોગી સંજય સિંહની જીત બાદ કુસ્તીબાજોએ પત્રકાર પરિષદ યોજીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. આ પછી રિયો ઓલિમ્પિક મેડલ વિજેતા રેસલર સાક્ષી મલ્લિક કે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જ્યારે બજરંગ પુનિયાએ પોતાનો પદ્મ પુરસ્કાર વડાપ્રધાન નિવાસની બહાર ફૂટપાથ પર છોડી દીધો હતો. હવે બ્રિજભૂષણ શરણ સિંહે કુસ્તીબાજોના વિરોધને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે.
કુસ્તીને ગ્રહણ લાગ્યું: બ્રિજભૂષણ સિંહ
બ્રિજભૂષણ સિંહે કહ્યું, ‘કોંગ્રેસના ખોળામાં બેઠેલા આ કુસ્તીબાજોની સાથે દેશનો એક પણ કુસ્તીબાજ નથી, હવે શું તેમના વિરોધને કારણે હું ફાંસી પર લટકી જવું? જુઓ, કુસ્તીને ગ્રહણ લાગી ગયું હતું. આ ગ્રહણ 11 મહિના અને ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. ચૂંટણી યોજાઈ અને જુના સંઘ દ્વારા સમર્થિત ઉમેદવાર એટલે કે અમારા સમર્થિત ઉમેદવાર સંજયસિંહ ઉર્ફે બબલુનો વિજય થયો છે. જેની જીત પણ 40 – 7ના માર્જીનથી થઈ હતી. હવે અમારો હેતુ કુસ્તીના કામને આગળ વધારવાનો છે.
કોંગ્રેસના ખોળામાં બેઠા છે કુસ્તીબાજ: બ્રિજભૂષણ
સાક્ષીના નિવૃત્તિના નિર્ણય પર બ્રિજભૂષણ સિંહે કહ્યું, ‘જો કુસ્તીબાજો હવે વિરોધ કરી રહ્યા છે અથવા સાક્ષીએ કુસ્તીને અલવિદા કહી દીધું છે, તો આમાં હું શું કરી શકું, અમે તેની શું મદદ કરી શકીએ, તમે મને કહો! આ એ કુસ્તીબાજ છે જે 12 મહિનાઓથી અમને ગાળો આપવાનું કામ કરી રહ્યા છે અને આજે પણ તે ગાળો આપી રહ્યા છે. અમને ગાળો આપવાનો હક એમને કોણે આપ્યો છે? આજે તેઓ ચૂંટણી પર સવાલો ઉઠાવી રહ્યા છે, સરકાર પર સવાલો ઉઠાવી રહ્યા છે અને કોંગ્રેસના ખોળામાં બેઠા છે. દેશનો એક પણ કુસ્તીબાજ તેમની સાથે નથી, તેમને શું મદદ કરીએ શું અમે ફાંસી પર લટકી જઈએ?
સાક્ષીએ કહ્યું કે ન્યાય મળવાની આશા ઓછી છે
ફેડરેશનના નવા પ્રમુખ સંજય સિંહ જૂના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ખૂબ નજીકના છે. તેમની જીત પછી, કુસ્તીબાજો હવે કહે છે કે બ્રિજભૂષણના નજીકના મિત્ર પ્રમુખ બન્યા પછી ન્યાય મેળવવાની તેમની આશા વધુ ઓછી થઈ ગઈ છે.
આ પણ વાંચો: બજરંગ પુનિયાએ PM આવાસ સામે રસ્તા ઉપર પદ્મશ્રી એવોર્ડ મુકી દીધો
સાક્ષી મલ્લિકે કહ્યું, ‘અમારી (કુસ્તીબાજોની) લડાઈ બ્રિજભૂષણ શરણ સિંહ સામે હતી. અમે ઇચ્છીએ છીએ કે ફેડરેશનમાંથી તેનો કબજો દૂર કરવામાં આવે. અમે સરકાર સાથે ચર્ચા કરી હતી કે ફેડરેશનમાં મહિલા પ્રમુખ હોવી જોઈએ, જેથી શોષણની ફરિયાદો ન આવે. સરકારે અમારી માંગણી સ્વીકારી હતી, પરંતુ હવે પરિણામ અલગ છે, જે સૌની સામે છે. બ્રિજભૂષણના જમણા હાથ અને તેમના બિઝનેસ પાર્ટનર ફેડરેશનના પ્રમુખ બન્યા છે.
આ પણ વાંચો: બજરંગ પુનિયાએ PM આવાસ સામે રસ્તા ઉપર પદ્મશ્રી એવોર્ડ મુકી દીધો