દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં વિદ્યુતક્ષેત્ર માટે ‘ઉજ્જવળ ભારત, ઉજ્જવળ ભવિષ્ય: પાવર@ 2047’ વીજળી મહોત્સવ યોજાયો
સુરત: કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં આઝાદીના અમૃત્ત મહોત્સવના ભાગરૂપે દેશમાં વિદ્યુતક્ષેત્રે થયેલી સિદ્ધિઓ વર્ણવતો ‘ઉજ્જવળ ભારત, ઉજ્જવળ ભવિષ્ય: પાવર@ 2047’-વીજળી મહોત્સવ યોજાયો હતો. ત્રિદિવસીય વીજળી મહોત્સવના અંતિમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પાવર સેક્ટરની પ્રગતિની નોંધ લઈ 2047 સુધીના ભાવિ આયોજનનો રોડમેપ ‘રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ’ અને નેશનલ સોલાર રૂફટોપ પોર્ટલનું ડિજીટલ લોન્ચીંગ કર્યું હતું. વડાપ્રધાને દેશના વિવિધ રાજ્યોના વિદ્યુત ક્ષેત્રના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે વર્ચ્યુલ માધ્યમથી રૂ.5 હજાર કરોડની સ્વચ્છ ઊર્જા પરિયોજના, વીજળી વિતરણના આધુનિકરણથી જોડાયેલી પુનરૂત્થાન આધારિત વિદ્યુત વિતરણ તંત્રની રૂ. 3 લાખ કરોડની યોજનાઓ, NTPCની રૂ.5200 કરોડથી વધુના વિવિધ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ-ભૂમિપૂજન અને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી લાભાર્થીના બેંક ખાતામાં સબસિડીની રકમ જમા કરાવતા રૂફટોપ નેશનલ પોર્ટલનો ઈ-શુભારંભ કરાવ્યો હતો.
અન્નદાતા હવે ઊર્જાદાતા
વડાપ્રધાનએ ઈ-સંબોધન કરતા જણાવ્યું કે, વિદ્યુત યોજનાઓ થકી નવા ભારતનો ખેડૂત અન્નદાતાની સાથોસાથ હવે ઊર્જાદાતા પણ બન્યો છે. દેશના કોઈ રાજ્યમાં ચાલતા વિદ્યુત ક્ષેત્રના પ્રોજેક્ટોનો લાભ સમગ્ર દેશને થશે, અને ગ્રીન એનર્જીના માધ્યમથી ગ્રીન જોબ્સનું નિર્માણ પણ કરી શકાશે. છેલ્લા 7-8 વર્ષમાં ઊર્જા ક્ષેત્રે આવેલા અદ્દભૂત બદલાવની વાત કરતા વડાપ્રધાનશ્રીએ વીજળીના ઉત્પાદન સાથે વીજળીની બચત થકી ભારત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે 2014 પછી ઊર્જા ક્ષેત્રે દેશે હાંસલ કરેલી સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓ અંગે જણાવ્યું કે, દેશમાં વીજળીની ઉત્પાદન ક્ષમતા માંગ કરતા વધુ છે, અને ‘વન નેશન, વન ગ્રીડ, વન ફ્રિકવન્સી’ યોજના દેશની તાકાત બની છે. ભારત હવે વીજળીની નિકાસ કરી રહ્યું છે, સાથોસાથ કોવિડના કપરા કાળમાં પણ દેશના વિકાસની ગતિમાં બ્રેક નથી લાગી. તેમજ તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના અમલીકરણમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. અને ભવિષ્યના સુવર્ણ ભારતના નિર્માણમાં ગુજરાત નિરંતર યોગદાન આપી રહ્યું છે.
કેવી રીતે થશે પાવરમાંથી વિજળીનું ઉત્પાદન ?
દેશમાં પહેલી વાર એવું બનશે કે જેમાં ખેડૂતો પાણીનો ઉપયોગ કરીને તેના માધ્યમથી નેચરલ ગેસનું ઉત્પાદન કરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સુરતના કવાસ ખાતે આવેલી એનટીપીસીની ટાઉનશિપમાં 200 ઘરોમાં હાઈડ્રોજન સાથે મિક્સ કરેલા ગેસનો સપ્લાય કરવામાં આવશે. આ પ્રોજેક્ટની સારી વાત એ છે કે, ‘પાણીમાં હાઈડ્રોજન બનાવવા માટે જે વિજળીનો ઉપયોગ કરવામાં આવશે તે વિજળી પણ સોલાર એનર્જીથી ઉત્પાદન કરવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર @2047 અંતર્ગત વડાપ્રધાને કર્યુ પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યુ હતું.