મોતનો પુલ : સીએમ અને ગૃહમંત્રી મોરબી પહોંચ્યા, ઘટનાસ્થળ અને હોસ્પિટલની લીધી મુલાકાત
મોરબીમાં બનેલી દુર્ઘટના અંગેની જાણ થતાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ મોરબી દોડી આવ્યા હતા. મોરબી પહોંચ્યા બાદ સીએમ અને ગૃહમંત્રીએ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ દોડી પહોંચી ઘટનાથી વાકેફ થયા હતા તેમજ જરૂરી તમામ મદદ માટે વહીવટી તંત્ર આજે સરકારના જુદા જુદા વિભાગોને તાકીદ કરી હતી.
બચાવ રાહત કાર્ય માટે નેવી, આર્મી અને તબીબ, પેરામેડીકલ સ્ટાફ ખડેપગે
મોરબી દુર્ઘટના સંદર્ભે ઘાયલ થયેલા નાગરિકોની બચાવ – રાહત કામગીરીના હેતુસર ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટ, જામનગરના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ચંદ્રશેખર તથા ભુજના ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ભાવેશ દુબે કુલ ૬૦ જવાનોના સ્ટાફ સાથે રાજકોટ ખાતે ઘાયલોની મદદ કરવા ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂક્યા છે. જામનગર નેવીના કેપ્ટન શ્રીકાંત ૫૦ માણસો અને બચાવ સાધનો સાથે મોરબી જવા રવાના થઈ ચૂક્યા છે. તદુપરાંત, રાજકોટ મેડિકલ કોલેજ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારના 30થી વધુ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ કોઈપણ પ્રકારની તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપવા પહોંચી ગયા છે.૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક યુદ્ધના ધોરણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે તેમ વહીવટી તંત્રની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લોહીની જરૂરિયાત માટે સામાજિક સંસ્થા અને રાજકીય પક્ષો આગળ આવ્યા
મોરબીની દુર્ઘટના અંગેની જાણ થતાં લોકો અને સ્થાનિકો તુરંત જ મદદ માટે દોડી આવ્યા હતા. વહીવટી તંત્રએ પણ ઝડપથી બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડયા હતા. ત્યારે આ ઇજાગ્રસ્તોને લોહીની જરૂરિયાત ઉભી થાય તો તે માટે તાત્કાલીક મદદ મળી રહે તે માટે સામાજિક સંસ્થા અને રાજકીય પક્ષો આગળ આવ્યા હતા અને તેઓએ પોતાના નંબર જાહેર કર્યા હતા.
કેટલાક બાળકોના ફોટાઓ જાહેર થયા, પરિજનોની શોધખોળ શરૂ કરાઇ
મોરબીની ઘટનામાં બચાવ કામગીરી દરમિયાન અનેક લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બનાવમાં મોટાભાગે બાળકો સામેલ હોય તેઓના પરિજનો ગુમ થયા હોય અથવા પોતે તેમનાથી અલગ થયા હોય તેવું જાણવા મળ્યું હતું. તેવામાં વહીવટી તંત્રએ તેમના ફોટા જાહેર કર્યા હતા અને તેઓના પરિજનોની શોધખોળ શરૂ કરાઇ છે.