મોરબી બ્રિજ તૂટી પડવાનું કારણ આવ્યું સામે, જાણો- શું કહ્યું IIT-દિલ્હીના નિષ્ણાતોએ ?
IIT દિલ્હીના નિષ્ણાતોનું માનવું છે કે મોરબીમાં પુલ તૂટી પડવા જેવી દુર્ઘટનાનું મુખ્ય કારણ ટેક્નિકલ ખામી નહીં પરંતુ માનવીય બેદરકારી અને લોભ-લાલચ છે.
નિષ્ણાતો કહે છે કે દેશમાં પુલ અને ફ્લાયઓવર બનાવવા માટે વિશ્વસનીય અને આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ છે. જો કે, ટેકનિકલ પાસાઓની અવગણના કરવામાં આવે ત્યારે આવા અકસ્માતો થાય છે.
30 ઓક્ટોબરના રોજ, ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડતાં લગભગ 135 લોકોના મોત થયા હતા અને 170થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પહેલા પશ્ચિમ બંગાળમાં એક નિર્માણાધીન પુલ તૂટી પડવાની ઘટના સામે આવી હતી. ત્યારે બાંધકામમાં બેદરકારી દાખવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો પણ થયા હતા.
IIT દિલ્હીના ડેપ્યુટી ડાયરેક્ટર ટી.આર. શ્રીકૃષ્ણને જણાવ્યું હતું કે, મોરબીનો પુલ તૂટી પડવો કે અન્ય આવા અકસ્માતો પાછળ ટેક્નોલોજીની નિષ્ફળતા કે ટેક્નોલોજીનો અભાવ બિલકુલ નથી.
શ્રીકૃષ્ણનના મતે બાંધકામ માટે ભારતમાં શ્રેષ્ઠ ટેક્નોલોજી ઉપલબ્ધ છે. સારા બાંધકામ માટે માત્ર એ જરૂરી છે કે હાલની ટેકનોલોજી યોગ્ય રીતે લાગુ કરવામાં આવે. મોરબી જેવા અકસ્માતો માનવીય લોભ-લાલચ અને બેદરકારીનું પરિણામ છે, એમ તેમણે જણાવ્યું હતું. આ માટે ટેક્નોલોજીના અભાવને દોષી ઠેરવી શકાય નહીં.
તેમણે કહ્યું કે જો બાંધકામ કે રિનોવેશનની કામગીરી તમામ નિયમો અને કાયદાઓનું પાલન કરીને કરવામાં આવી હોત તો આવા અકસ્માતો ન બન્યા હોત.
મળતી માહિતી મુજબ, મોરબી નગરપાલિકાએ 15 વર્ષ માટે બ્રિજના સમારકામ અને જાળવણીની કામગીરી ‘ઓરેવા ગ્રુપ’ નામની ખાનગી કંપનીને સોંપી હતી. કંપની પર જાળવણીમાં બેદરકારીનો આરોપ છે અને અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યું છે કે મોરબી બ્રિજના રિનોવેશન માટે ફાળવવામાં આવેલા 2 કરોડ રૂપિયામાંથી કંપનીએ માત્ર 12 લાખ રૂપિયાનો જ ખર્ચ કર્યો હતો.