બ્રિક્સ સમિટ: દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ નેતાઓની બેઠક; શી જિનપિંગ બિઝનેસ ફોરમમાં રહ્યાં ગેરહાજર
BRICS Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સમર પેલેસ ખાતે જૂથના અન્ય નેતાઓ સાથે ‘બ્રિક્સ લીડર્સ રિટ્રીટ’ અને વૈશ્વિક વિકાસની ચર્ચા કરવા પહોંચ્યા હતા. પીએમ મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની ચાર દિવસીય મુલાકાતે મંગળવારે અહીં પહોંચ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં આ સમય દરમિયાન તેઓ 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. વર્ષ 2019 પછી આ પ્રકારનું આ પ્રથમ સંમેલન છે જેમાં તમામ નેતાઓ રૂબરૂ હાજરી આપી રહ્યા છે.
પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકામાં ‘બ્રિક્સ લીડર્સ રિટ્રીટ’માં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પાંચ દેશોના જૂથના અન્ય નેતાઓ સાથે વૈશ્વિક વિકાસ પર ચર્ચા કરી. જોહાનિસબર્ગમાં તેઓ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મતમેલા સિરિલ રામાફોસાના આમંત્રણ પર 22થી 24 ઓગસ્ટ દરમિયાન યોજાનારી 15મી BRICS લીડર્સ સમિટમાં ભાગ લેશે. 2019 પછી બ્રિક્સ નેતાઓની આ પ્રથમ સામ-સામે સમિટ હશે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
શી જિનપિંગે બ્રિક્સ બિઝનેસ ફોરમમાં હાજરી આપી ન હતી
જોહાનિસબર્ગના મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મંગળવારે દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ બિઝનેસ ફોરમમાં હાજરી આપી ન હતી, જ્યાં તેઓ જૂથના અન્ય નેતાઓ સાથે ભાષણ આપે તેવી અપેક્ષા હતી. ચીનના વાણિજ્ય પ્રધાન વાંગ વેન્તાઓએ આ કાર્યક્રમમાં જિનપિંગનું ભાષણ વાંચ્યું હતું, જેમાં તેમણે યુ.એસ.ની આધિપત્યવાદી વૃત્તિઓ માટે ટીકા કરી હતી.
ચીને અમેરિકા પર નિશાન સાધ્યું
ભાષણમાં કહેવામાં આવ્યું હતું કે યુએસ એવા દેશો સામે લડવાનું વલણ ધરાવે છે જે વૈશ્વિક બાબતો અને નાણાકીય બજારોમાં તેના વર્ચસ્વને જોખમમાં મૂકે છે. ચીની રાષ્ટ્રપતિના ભાષણમાં લખવામાં આવ્યું હતું કે દરેક દેશને વિકાસનો અધિકાર છે અને લોકોને સુખી જીવન જીવવાની સ્વતંત્રતા હોવી જોઈએ. અમેરિકા પર પરોક્ષ પ્રહાર કરતા ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશ વર્ચસ્વ જાળવી રાખવા માટે ઉત્સુક છે અને ઉભરતા બજારો અને વિકાસશીલ દેશોને નબળા કરવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.
આ પણ વાંચો-G20 Summit: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આવતા મહિને ભારત આવશે, જાણો શું છે એજન્ડા?