10 મે, મુંબઈ: IPL 2024 હવે લીગ મેચોના છેલ્લા અઠવાડિયામાં પ્રવેશ કરી ચૂકી છે. હાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ એવી બે ટીમો છે જે પોઈન્ટ્સ ટેબલના ટોચના બે સ્થાનો પર કબજો જમાવીને બેઠી છે. આવામાં વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર બ્રાયન લારાએ જાહેર કરી દીધું છે IPL 2024 જીતનારી ટીમનું નામ.
સ્ટાર સ્પોર્ટ્સ સાથેની એક વાતચીતમાં લારાએ પોતાની પસંદગીની ટીમનું નામ જાહેર કર્યું છે. લારાએ કહ્યું છે કે જો ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફ્સમાં પહોંચશે તો તે આ વર્ષની IPL પણ જીતી જશે. લારાનું માનવું છે કે CSK આ વર્ષે પોતાનું છઠ્ઠું IPL ટાઈટલ જીતવામાં સક્ષમ છે.
મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી 5-5 IPL ટાઈટલ્સ જીત્યા છે. મુંબઈ ઇન્ડિયન્સ આ વર્ષની પ્લેઓફ્સની રેસમાંથી ઓલરેડી બહાર થઇ ગયું છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સના ભાવિનો ફેસલો આજે અથવાતો આવતા અઠવાડિયામાં થઇ જશે.
ચેન્નાઈ પોતાના 5 IPL ટાઈટલ્સ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં જીત્યું છે જ્યારે આ વર્ષે ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ છે.
IPL 2024 જીતનારી ટીમનું નામ જાહેર કરતી વખતે લારાએ એમ પણ કહ્યું હતું કે, ‘KKRએ જે રીતે સિઝન રમી છે તેના પરથી એ પણ ટ્રોફી જીતવાની પ્રબળ દાવેદાર છે, પરંતુ જો CSK પ્લેઓફ્સમાં પહોંચશે તો મને પૂરી આશા છે કે તે આ સિઝનની ટ્રોફી જીતશે.’
તો ઓસ્ટ્રેલિયાના તેમજ ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ ઓપનીંગ બેટ્સમેન મેથ્યુ હેડને પણ પોતાની પસંદગીની વિજેતા ટીમનું નામ આપ્યું છે. હેડનનું માનવું છે કે આ વર્ષે રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન થશે. આજે લારાની પસંદગીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મેથ્યુ હેડનની પસંદગીની ટીમ રાજસ્થાન રોયલ્સ ચેપોકમાં આમનેસામને છે.
આ મેચ જીતનાર ટીમના પ્લેઓફ્સમાં રમવાના ચાન્સ વધુ ઉજળા થશે. જો કે જો આ મેચ રાજસ્થાન રોયલ્સ જીતી જશે તો તે પ્લેઓફ્સમાં આપોઆપ ક્વોલીફાય થઇ જશે કારણકે તેના 18 પોઈન્ટ્સ થશે.
બ્રાયન લારાએ હાલમાં જ જણાવ્યું હતું કે ભારત તરફ તેને જો કોઈ વસ્તુ ખેંચી લાવતી હોય તો તે બોલિવુડ નથી પરંતુ પંજાબી વાનગી છોલે ભટુરે છે. લારાએ એમ પણ જણાવ્યું હતું કે તેને છોલે ભટુરે તેના દેશ ટ્રીનીડાડમાં મળતી એક વાનગી જેવા લાગે છે જે તેને અત્યંત પસંદ છે.