ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Breaking News : રાજ્ય સરકારના કર્મચારીઓની હડતાળ મોકૂફ

  • 17મી સપ્ટેમ્બરના યોજાવાનો હતો પેન ડાઉન કાર્યક્રમ
  • PM મોદીના ગુજરાત પ્રવાસના લીધે કર્મચારી મંડળે લીધો નિર્ણય
  • સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની સત્તાવાર જાહેરાત

ગાંધીનગર, 14 સપ્ટેમ્બર : રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈને આગામી 17મી સપ્ટેમ્બરના રોજ પેન ડાઉન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી જો કે આ હડતાળ હવે છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી છે. આગામી 16 અને 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવતા હોય જેના લીધે કર્મચારી મંડળ દ્વારા સરકારની વિનંતીના પગલે હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કરી છે.

મળતી માહિતી મુજબ, આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્ય સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે રજૂઆત મંત્રીમંડળના પાંચ સભ્યોની ટીમ સમક્ષ કરવામાં હતી. તે રજૂઆતોને લઈને સરકાર હરહંમેશ હકારાત્મક સતત ચિંતિત છે. કર્મચારીઓની લાગણી માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હરહંમેશ હકારાત્મક વલણ રહ્યું છે. કર્મચારીઓની તમામ માંગણીઓ મુખ્યમંત્રીના ધ્યાને મૂકવામાં આવી છે અને આગામી સપ્તાહમાં મંડળ સાથે વાટાધાટો બાદ યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રીએ પણ હકારાત્મક દિશામાં આગળની પ્રક્રિયા કરવાની સૂચના આપી છે.

આવનારા સમયમાં પાંચ મંત્રીઓની ટીમ આ અંગે ચર્ચા કરશે જેમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઇ પટેલ, કુબેરભાઇ ડિંડોર અને રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, પ્રફુલ્લ ભાઇ પાનશેરિયા કર્મચારી મંડળના સભ્યો સાથે પ્રશ્નોની ચર્ચા કરશે.વધુમાં તેમણે ઉમેર્યું કે, કર્મચારીઓ ના પ્રશ્નોનો સુખદ હકારાત્મક દિશામાં વિચાર થાય તે બાબતે ફરીથી આવતા અઠવાડિયે પાંચ મંત્રીઓની ટીમ સાથે કર્મચારી મહાસંધ શિક્ષક સંઘ સાથે ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી ખૂબ જ હકારાત્મક રીતે આ પ્રશ્નો જોઈ રહ્યા છે અને આ તમામ સંઘના પ્રશ્નોનો સુખદ અંત આવશે તેમ મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના હકારાત્મક વલણને પરિણામે કર્મચારી મંડળ દ્વારા તા.૧૭મીનો પેનડાઉનનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

Back to top button