બેનોની, 11 ફેબ્રુઆરી : ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે (11 ફેબ્રુઆરી)ના રોજ વિલોમૂર પાર્ક, બેનોની ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ ચોથી વખત અંડર-19 ચેમ્પિયન બની છે. આ સાથે જ ભારતનું છઠ્ઠી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ભારતને મેચ જીતવા માટે 254 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેનો પીછો કરવા માટે ભારતીય બેટ્સમેનો શરૂઆતથી જ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમ 43.5 ઓવરમાં 174 રન પર જ સિમિત રહી હતી. ઓપનર આદર્શ સિંહ સિવાય ટોપ ઓર્ડરમાં અન્ય બેટ્સમેનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી અને સસ્તામાં સેમ કોન્સ્ટન્સાની વિકેટ ગુમાવી દીધી હતી. કોન્સ્ટન્સ ખાતું ખોલાવ્યા વિના રાજ લિંબાણીનો શિકાર બન્યો હતો. આ પછી કેપ્ટન હ્યુગ વેગબેન અને હેરી ડિક્સને 78 રનની ભાગીદારી કરીને દાવને સંભાળ્યો હતો. નમન તિવારીએ આ બંને ખેલાડીઓને આઉટ કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ 99 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, જ્યાંથી ભારતીય મૂળના ખેલાડીઓ હરજસ સિંહ અને રેયાન હિક્સે મળીને 66 રન જોડ્યા હતા. હિક્સને ફાસ્ટ બોલર રાજ લિંબાણીએ આઉટ કર્યો હતો. જ્યારે હરજસ સિંહ સ્પિનર સૌમી પાંડેનો શિકાર બન્યો હતો. રાફે મેકમિલન પણ કંઈ ખાસ કરી શક્યા ન હતા અને તેની જગ્યાએ મુશીર ખાન આવ્યા હતા. અહીંથી ઓલિવર પીકે તોફાની બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાને 250થી આગળ લઈ ગયા.
ઓસ્ટ્રેલિયા માટે હરજસ સિંહે સૌથી વધુ 55 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન હ્યુ વેગબેને 48 રન અને ઓપનર હેરી ડિક્સને 42 રન બનાવ્યા હતા. ઓલિવર પિકની વાત કરીએ તો તેણે અણનમ 46 રન બનાવ્યા હતા. પીકે 43 બોલની ઈનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ભારત માટે ફાસ્ટ બોલર રાજ લિંબાણીએ ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા જ્યારે તેના સાથી ફાસ્ટ બોલર નમન તિવારીએ બે ખેલાડીઓને આઉટ કર્યા હતા.