એશિયાકપ 2022 માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેચમાં 182 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનનો પાંચ વિકેટે વિજય થયો છે. સુપર-4 મેચમાં પાકિસ્તાને એક બોલ બાકી રહેતા ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 44 બોલમાં 60 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 19.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. મોહમ્મદ રિઝવાને 51 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, મોહમ્મદ નવાઝે 20 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
ભારતે હવેના બંને મેચ જીતવા જરૂરી
ભારતીય ટીમે હવે આગામી બંને મેચ જીતવી પડશે. એક પણ મેચ હારવાથી ભારતનું એશિયા કપમાંથી બહાર થવાનું જોખમ રહેશે. ભારત હવે 6 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે ટકરાશે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ 7 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે ટકરાશે.
પાકિસ્તાનને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો
ભારતે પાકિસ્તાનને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી વિરાટ કોહલીએ 44 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતીય ઇનિંગ્સની શરૂઆત પણ ઘણી સારી રહી હતી અને તેણે પ્રથમ 5 ઓવરમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે પાકિસ્તાની બોલરોના આકરા સમાચાર લીધા હતા. રોહિતે 16 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 28 રન બનાવ્યા હતા. તે જ સમયે કેએલ રાહુલે પણ બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. રોહિતના આઉટ થયા બાદ ભારતીય ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી, પરંતુ કોહલી છેલ્લી ઓવર સુધી ક્રિઝ પર રહીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો હતો.