

ભારતીય રાજનીતિના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજથી શરૂ થયેલા સંસદના વિશેષ સત્ર વચ્ચે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સંસદની એનેક્સી બિલ્ડીંગમાં મળેલી આ બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ તમામ અટકળોને બાજુ પર રાખીને કેન્દ્રીય કેબિનેટે આખરે આ બિલને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી બાદ મહિલા અનામત બિલ હવે લોકસભામાં રજૂ થશે.
અઢી દાયકા કરતા વધુ સમયથી બિલ હતું પેન્ડિંગ
લગભગ 27 વર્ષથી પેન્ડિંગ મહિલા આરક્ષણ બિલ હવે સંસદના ટેબલ પર આવશે. આંકડાઓ અનુસાર, લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે, જ્યારે રાજ્યની વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. છેલ્લી વખત આ મુદ્દા પર કાર્યવાહી 2010માં કરવામાં આવી હતી, જ્યારે રાજ્યસભાએ હોબાળા વચ્ચે બિલ પસાર કર્યું હતું અને માર્શલ્સે મહિલાઓ માટે 33 ટકા અનામતનો વિરોધ કરતા કેટલાક સાંસદોને હાંકી કાઢ્યા હતા. જો કે, આ બિલ રદ્દ કરવામાં આવ્યું કારણ કે તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.
મુખ્ય પક્ષોએ હંમેશા સમર્થન આપ્યું
ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ હંમેશા તેને સમર્થન આપ્યું છે. જો કે, કેટલાક અન્ય પક્ષોએ મહિલા ક્વોટામાં ઓબીસી અનામતની કેટલીક માંગણીઓને લઈને તેનો વિરોધ કર્યો હતો. હવે ફરી એકવાર ઘણા પક્ષોએ આ વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ લાવવા અને પસાર કરવાની જોરદાર હિમાયત કરી હતી, પરંતુ સરકારે કહ્યું છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.