Breaking News: ડીસા મામલતદાર ઓફિસમાં ACB ત્રાટકી; બે અધિકારીઓને ઉઠાવ્યા
ડિસા: બનાસકાંઠાના ડીસાના મામલતદાર ઓફિસના અધિકારીઓ એસીબીના સંકજામાં આવ્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠ્યા પછી ડીસાના મામલતદાર ઓફિસમાં એસીબીની ટીમ ત્રાટકી છે. આ કેસમાં બે અધિકારીઓને પણ ઉઠાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.
મળતી માહિતી અનુસાર, એક ખેડૂત પાસેથી મામલતદાર કચેરીના એક અધિકારીએ 18000 રૂપિયાની લાંચ માંગી હતી. જોકે, તેઓ આપી શકે તેટલા સક્ષમ ન હોવાના કારણે તેમને એસીબીનો કોન્ટેક્ટ કર્યો હતો. તે પછી એસીબીએ અધિકારીને ઝડપી પાડવા માટે ખેડૂત સાથે મળીને પ્લાનિંગ કર્યું હતું. આ દરમિયાન ભ્રષ્ટ અધિકારીને પકડી પાડવામાં આવ્યો હતો.
ખેડૂતે પોતાની જમીનમાં વારસાઈ કરવા તેમજ ભાઈઓ ભાગની જમીન જુદી પાડવા સારૂ વારસાઈની તેમજ વેચાણ દસ્તાવેજની કાચી નોંધો પડાવવા માટે મામલતદાર કચેરી પહોંચ્યો હતો. જોકે, તેમના પાસે નોંધો મંજૂર કરવા આરોપી રમેશકુમાર નાનજીભાઈ પ્રજાપતિએ રૂ.18,000 ની લાંચની માગણી કરી હતી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોવાથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી રમેશકુમાર તેમની કચેરીમાં નિવૃત્તિ પછી કામ કરતા દશરથલાલ ચુનીલાલ ત્રિવેદીને આપવાનું કહ્યું હતું. તે રકમ દશરથલાલે સ્વીકારીને પાછળથી તે પૈસા રમેશ કુમારને આપ્યા હતા. આમ એક બીજાની મદદગારી કરી લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.18000 સ્વીકારીતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો-મહેસાણા પેરોલ ફ્લો ટીમે ઠગાઇના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો
ઉલ્લેખનિય છે કે, ડીસાના અગાઉના મામલતદાર તરાલ ઉપર પણ ઇન્ક્વાયરી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ડીસા મામલતદારના અધિકારીઓ જમીનની નોંધણી સહિતના કામો માટે ખેડૂતો પાસેથી મસમોટી રકમ માંગતા હતા. તેથી જગતના તાતે કંટાળીને એસીબીમાં આની જાણકારી આપી હતી.
આમ ડીસા મામલતદાર કચેરીના અધિકારીઓ પાછલા ઘણા સમયથી ભ્રષ્ટાચારમાં ડૂબેલા હોવાના સમાચાર સામે આવતા રહ્યાં છે. તેવામાં એક વખત ફરીથી ડીસા મામલતદાર કચેરી સમાચારોમાં ચમકી છે. ડીસા મામલતદાર કચેરીમાં ખેડૂતોએ નાનામાં નાનું કામ કરાવવા માટે પણ પૈસા આપવા પડતા હોવાની રાવ ઉઠી હતી. તેવામાં અંતે ખેડૂતે કંટાળીને અધિકારીઓ સામે આકરા પગલા ભરતા એસીબીની મદદથી ભ્રષ્ટાચાર પર મોટો પ્રહાર કરી દીધો છે.
એસીબીએ કાર્યવાહી કરીને ડીસા મામલતદાર કચેરીમાં રેડ કરીને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓને પોતાના સંકજામાં લઈ લીધા છે. આ અધિકારીઓને પાલનપુર લઈ જવામાં આવ્યો હોવાના પણ સમાચાર સામે આવી રહ્યાં છે.
આ પણ વાંચો-બનાસકાંઠામાં રીંછનો આતંક, ડેરીગામના યુવક પર હુમલો કરતા ગ્રામજનોમાં ભય