વડગામ કોંગ્રેસમાં ભંગાણ, 6 ગામના આગેવાનો કાર્યકરો સાથે ‘આપ’માં જોડાયા
પાલનપુર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસોનું હવે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. તેની સાથે જ રાજકીય ગતિવિધિ દિવસે- દિવસે વધી રહી છે. જેમાં દિલ્હીથી નેતાઓ પણ ગુજરાતમાં દર 15 દિવસે આંટો લગાવી રહ્યા છે. ત્યાં જ આ પાર્ટીમાં કાર્યકરો જોડાઈ રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ મતવિસ્તારમાં કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. આ તાલુકાના 6 ગામના સરપંચો ‘આપ’ પાર્ટીમાં જોડાયા હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં ભાગળ ગામની પંચવટીમાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના દલિત સંગઠનના આગેવાન દલપતભાઈ ભાટિયા એ જણાવ્યું હતું કે, ભાગળ, મુમનવાસ, શેરપુરા (મ), શેરપુરા (સે), ગોળા, સાસમ,બાદરગઢ, પટોસણ, કાણોદર સહિતના આજુબાજુના અનેક ગામોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમને કોંગ્રેસ સાથે છેડો ફાડી ‘આપ’ પાર્ટીમાં જોડાયા હતા. દલપતભાઈના જણાવ્યા મુજબ માત્ર કોંગ્રેસે જ નહીં ભાજપમાંથી પણ કેટલાય કાર્યકરો પોતાની પાર્ટીને રામ-રામ કરીને ‘આપ’માં જોડાયા છે.
તેઓએ અગાઉની સરકારે લોલીપોપ જ આપી હતી. તેમ જણાવીને ‘આપ’ની દિલ્હી સરકારે પ્રજાને આપેલા વચનો પૂરા કર્યા છે. અને પંજાબમાં કેટલાક વચનો પૂરા કરી દીધા છે. જ્યારે બાકીના ઉપર કામ ચાલી રહ્યું છે. ત્યારે અમારા વિસ્તારમાં મતદારોની સ્થાનિક ઉમેદવારની માંગણી કરી રહ્યા છે.
જેથી આગામી દિવસોમાં વડગામ બેઠક ઉપર ત્રિપાંખીયોઓ જંગ ખેલાશે. તેમ તેમણે ઉમેર્યું હતું. જો કે આગામી દિવસમાં હજુ કોંગ્રેસમાં વધુ ભંગાણ થવાની શક્યતા નકારી શકાતી નથી.
હજુ મોટા રાજકીય ભૂકંપ આવશે : ભેમાભાઈ ચૌધરી
બનાસકાંઠા જિલ્લાની પ્રજા હવે પરિવર્તન ઇચ્છી રહી છે. વડગામ તાલુકામાં આગેવાનો અને કાર્યકરો ‘આપ’ પાર્ટીને સમર્થન આપી પક્ષમાં જોડાઈ રહ્યા છે. આ તો માત્ર શરૂઆત છે.હજુ તો મોટા રાજકીય ભૂકંપ આવશે. કેજરીવાલની દિલ્હી સરકારની કામગીરીથી સૌ વાકેફ છે. અને ગુજરાતમાં જે ગેરંટી અપાય છે તે પૂર્ણ થશે.