સુરતમાં કોંગ્રેસ અને આપમાં ભંગાણ : વર્તમાન અને પૂર્વ કોર્પોરેટર સહિત 1000 કાર્યકરો ભાજપમાં જોડાયા


સુરત, 3 માર્ચ : હાલમાં લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં ભાજપા તરફ પ્રચંડ જનસમર્થન જોવા મળી રહ્યું છે ત્યારે ચુંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીમાં વિશ્વાસ વ્યક્ત કરી આજરોજ સુરત શહેર ભાજપ કાર્યાલય પંડિતદીન દયાલ ભવન ખાતે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર, આપના કોર્પોરેટર ઉમેદવાર સહિત ૧૦૦૦ જેટલા કાર્યકર્તાઓએ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.મળતી માહિતી મુજબ, શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે તમામ કાર્યકર્તાઓને કેસરી ખેસ અને ટોપી ધારણ કરાવી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો. જેમાં આંજણા કોંગ્રસના કપિલા પટેલ અને ભરતભાઈ ગોસાઈ, આપના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ જોડાયા હતા.
આ ઉપરાંત આપના વોર્ડ નંબર 20ના પ્રમુખ ધવલ પંચીગર, વોર્ડ નંબર ૨૧ ના પ્રમુખ સ્નેહલ પટેલ, આપ વોર્ડ નંબર ૨૧ ના ઉમેદવાર પ્રિયંકા મૈસુરીયા, આપ વોર્ડ નંબર ૨૨ના ઉમેદવાર માલવિકા કોસંબિયા, આપના યુવા પ્રમુખ સંભવ શાહ, આપ મજુરા વિધાનસભાના સગંઠન મંત્રી જીતેન્દ્ર પ્રજાપતિ, આપ સુરત શહેરના સહ સગંઠન મંત્રી કિરીટ પટેલ સહિત મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો હતો.
આ પ્રસંગે સુરત શહેર અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેર, મેયર દક્ષેશભાઈ માવાણી,મહામંત્રીઓ કીશોરભાઈ બિંદલ, કાળુભાઈ ભીમનાથ તથા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તેમ પ્રદેશ ભાજપ સંગઠનની યાદીમાં જણાવાયું છે.