ફૂટબોલ સ્ટાર રોનાલ્ડીન્હો કોલકાતાની લેશે મુલાકાત, ગાંગુલી પાસેથી શીખશે ક્રિકેટ
બ્રાઝિલના ભૂતપૂર્વ મહાન ફૂટબોલ ખેલાડી રોનાલ્ડીન્હો ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવાનો છે. આ દરમિયાન તે ભારતમાં હાજર તેના ફેન્સને પણ મળશે. આ પહેલા સ્ટાર ફૂટબોલ ખેલાડી પેલે, ડિએગો મેરાડોના અને લિયોનેલ મેસી ભારતની મુલાકાતે આવી ચુક્યા છે. આ વર્ષની શરૂઆતમાં, જુલાઈ 2023માં ફિફા વર્લ્ડ કપ વિજેતા અને આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીના સાથી ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝ ભારતની મુલાકાતે આવ્યા હતા.
કોલકાતાની મુલાકાત લેશે
બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર રોનાલ્ડીન્હોએ દુર્ગા પૂજા તહેવાર પહેલા કોલકાતાની તેની પ્રથમ મુલાકાતની પુષ્ટિ કરી છે. ત્રણ વખતના બેલોન ડી’ઓર વિજેતાની ફૂટબોલ માટેના શોખીન શહેરની આ પ્રથમ મુલાકાત હશે. આ પહેલા પેલે, ડિએગો મેરાડોના અને લિયોનેલ મેસ્સી અને ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝ સહિત ઘણા ફૂટબોલના દિગ્ગજો કોલકાતાની મુલાકાત લઈ ચુક્યા છે.
રોનાલ્ડિન્હો ફેન્સને મળશે
રોનાલ્ડિન્હોએ તેના અધિકૃત ફેસબુક પેજ પર પોસ્ટ કર્યું, “તમામને નમસ્કાર, હું આ ઓક્ટોબરના મધ્યમાં કોલકાતાની મારી પ્રથમ મુલાકાત લઈશ. હું જાણું છું કે કોલકાતામાં બ્રાઝિલના ઘણા ચાહકો છે અને હું તેમને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.
સૌરવ ગાંગુલીને મળશે
તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મળશે અને “તેમને જર્સી ગિફ્ટ કરશે”. રોનાલ્ડીન્હોએ વધુમાં કહ્યું કે તે સિટી આઇકોન સૌરવ ગાંગુલી પાસેથી ક્રિકેટ શીખવા માંગશે. “હું જાણું છું કે ભારતમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે અને આ વખતે હું બંગાળના ‘દાદા’ પાસેથી ક્રિકેટ શીખવા માંગુ છું.
દુર્ગા પૂજામાં ભાગ લેશે
રોનાલ્ડીન્હો એક ચેરિટી ફૂટબોલ મેચ માટે ડાયમંડ હાર્બર એફસી સ્ટેડિયમમાં હાજર થવાનો છે. આ ઉપરાંત, તેઓ તેમની મુલાકાત દરમિયાન પ્રાયોજકો સાથે વાતચીત કરશે, રોનાલ્ડીન્હોને સન્માનિત કરવા અને ફૂટબોલની સુંદર રમતને પ્રોત્સાહન આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરશે. દુર્ગા પૂજામાં પણ ભાગ લેશે.
16મી ઓક્ટોબરે ભારત આવશે
એક સૂત્રના જણાવ્યા અનુસાર, બ્રાઝિલિયન 16 ઓક્ટોબરના રોજ આવવાની અપેક્ષા છે અને ઢાકા જતા પહેલા બે દિવસ શહેરમાં રહેશે. ચેરિટી ફૂટબોલ મેચ રમવા ઉપરાંત, 2002 વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલ એકેડમીના તાલીમાર્થીઓને મળશે અને સમગ્ર શહેરમાં દુર્ગા પૂજા પંડાલનું અનાવરણ કરશે.